![]()
– 2024નો રૂ. 1.90 લાખ કરોડનો રેકોર્ડ તૂટયો
– બે વર્ષમાં માર્કેટે રૂ. 3.80 લાખ કરોડ એકત્ર કર્યા, જે 2019થી 2023 વચ્ચેના 3.2 લાખ કરોડથી વધુ
મુંબઈ : ભારતીય શેરબજાર માટે ૨૦૨૫નું વર્ષ રેકોર્ડ બ્રેકિંગ રહ્યું છે. કંપનીઓએ ૩૬૫થી વધુ આઈપીઓ સાથે રૂ. ૧.૯૫ લાખ કરોડ એકત્ર કર્યા છે. જે ૨૦૨૪માં ૩૩૬ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા રૂ. ૧.૯૦ લાખ કરોડના રેકોર્ડને પાર કરી ગયું છે. આઈપીઓ માર્કેટમાં મેઈનબોર્ડ આઈપીઓનું પ્રભુત્વ રહ્યું હતું. ૨૦૨૫માં ૧૦૬ મેઈનબોર્ડ આઈપીઓ દ્વારા કુલ ૯૪ ટકા એટલે કે, રૂ. ૧.૮૩ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે, ૨૫૯ એસએમઈ આઈપીઓ લિસ્ટ થયા હતા.
૨૦૨૫માં નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ આઈપીઓમાં ૨૬.૬ ટકા હિસ્સા સાથે સૌથી આગળ રહી હતી. ત્યારબાદ, ૯. ૫ ટકા સાથે કેપિટલ ગુડ્સ, ૯.૨ ટકા ટેકનોલોજી અને ૬.૪ ટકા હેલ્થકેર સેક્ટર રહ્યા હતા. ૨૦૨૪માં પ્રભુત્વ ધરાવતા સેક્ટર્સ જેવા કે, ટેલિકોમ, યુટિલિટીઝ અને પ્રાઈવેટ બેંકિંગની ૨૦૨૫માં ખાસ પ્રવૃતિ નહોતી જોવા મળી. ૨૦૨૫માં આઈપીઓમાં રેકોર્ડ થયો હતો ત્યારે, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ્સ ધીમા પડયા હતા. ૨૦૨૪માં રૂ. ૧.૩૬ લાખ કરોડની સરખામણીમાં ૨૦૨૫માં રૂ. ૭૧,૮૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
છેલ્લા બે વર્ષમાં આઈપીઓ સરેરાશ ૨૬.૬ ટકા ગણા ઓવરસબસ્ક્રાઈબ થયા હતા. એસએમઈ આઈપીઓની માંગ વધુ જોવા મળી હતી. જેમાં, કેટલાક ૧૦૦ ગણાથી વધુ ઓવરસબસ્ક્રાઈબ થયા હતા. લગભગ ૫૫ ટકા મેઈન બોર્ડ આઈપીઓ હાલમાં તેમની ઓફર કિંમતો કરતા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં લોન્ચ થયેલા આઈપીઓમાં ૨૦ વર્ષથી નાની કંપનીઓનો ૫૦૮ લિસ્ટિંગ સાથે હિસ્સો ૫૩ ટકા હતો.
૨૦૨૧માં પેટીએમ (વન ૯૭ કમ્યુનિકેશન્સ)ના રૂ. ૧૮,૩૦૦ કરોડ, ૨૦૨૨માં એલઆઈસીના રૂ. ૨૦,૫૬૦ કરોડ, ૨૦૨૪માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના રૂ. ૨૭,૮૬૦ કરોડના આઈપીઓ બાદ ૨૦૨૫માં ટાટા કેપિટલનો રૂ. ૧૫,૫૧૧ કરોડનો આઈપીઓ સૌથી મોટો રહ્યો હતો. જાણકારોના મતે, ૨૦૨૬માં પણ ૨૦૨૫ની જેમ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને એસઆઈપીના રિટેલ રોકાણકારોને પગલે આઈપીઓ માર્કેટ ધમધમતું રહેશે.










