ખેડૂતોને સાથે રાખી તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી
14 ગામોના સરપંચો, 4 તા.પં.ના સભ્યો, ખેડૂતો દ્વારા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
તાલાલા ગીર: તાલાલા પંથકમાં કેસર કેરીના નાશ પામેલ પાકનું રિ-સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો તાલાલા ખાતેના બાગાયત સંશોધન કેન્દ્રને ઘેરાવ સાથે ઉગ્ર લોક લડતના મંડાણ કરવામાં આવશે. તાલાલા ખાતેની બાગાયત કચેરી તથા મામલતદારને તાલાલા પંથકના ૧૪ ગામના સરપંચો, ચાર તાલુકા પંચાયતના સભ્યો તથા કિસાન અગ્રણીઓએ આવેદનપત્રો આપ્યા છે.
આવેદનપત્રમાં જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક અવિરત ઘટતો જાય છે. આ વર્ષે મોટાભાગના બગીચામાં કેરીનો પાક નાશ પામ્યો છે છતાં પણ બાગાયત વિભાગના બાબુઓએ સરકારમાં સર્વેનો જે અહેવાલ મોકલેલ છે તે ગોળ ગોળ અને સંપૂર્ણ ખોટો મોકલી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને પડયા ઉપર પાટું મારવા સમાન છે. તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ જવા બદલ કેસર કેરી પકવતા કિસાનોને જવાબદાર ગણાવી બાગાયત વિભાગ તેમની નિષ્ફળતા નો દોષનો ટોપલો કિસાનો ઉપર ઢોળી અન્યાય કર્યો છે. તાલાલા પંથકના કેરીના પાક અંગે અધિકારીઓ સરકારને સાચી વિગતથી અવગત કરવાનાં બદલે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો સર્વપક્ષીય અગ્રણીઓએ બાગાયત વિભાગના બાબુઓ સામે ખુલ્લા આક્ષેપો કરી કેસર કેરીના પાકનું દરેક ગામના સરપંચો તથા આગેવાનોને સાથે રાખી રિ-સર્વે કરવા માંગણી કરી છે.
કેસર કેરીના પાકનું ખેડૂતોની માંગણી પ્રમાણે આઠ દિવસમાં રિ-સર્વે કરાવી કિસાનોને યોગ્ય ન્યાય આપવામાં આવશે નહીં તો તાલાલા બાગાયત વિભાગની કચેરીને ઘેરાવ કરી તમાંમ ગામના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર લોકલડત શરૂ થશે. જરૂર પડે તાલાલા તાલુકાનાં ગામડા બંધનો પણ કાર્યક્રમ આપવામાં આવશે.
તાલાલા બાગાયત વિભાગના બગીચામાં પણ જૂજ જ કેરી
તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર આવેલ બાગાયત વિભાગના ૫૦ વિઘાના આંબાના બગીચામાં સને.૨૦૨૩-૨૪ માં રૂ.૧૩ લાખથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું.૨૦૨૪-૨૫ માં રૂ.૬ લાખ નું ઉત્પાદન થયું છે.આવેદનપત્ર આપવા ગયેલ ખેડૂતોએ બાગાયત વિભાગના બગીચામાં સંશોધન કેન્દ્રના અધિકારીને સાથે રાખી મુલાકાત લીધી હતી જે આંબામાં પાંચ થી દશ મણ કેરી આવવી જોઈએ તે આંબામાં આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી કેરી આંબા ઉપર હતી છતાં પણ અધિકારી પાક સારો છે તેવી કેસેટ વગાડતા હોય રોષા વ્યાપ્યો છે.
તાલાલામાં બાગાયત વિભાગની કચેરી નથી
બાગાયત વિભાગની કચેરીએ આવેદનપત્ર આપવા ખેડૂતો ગયા ત્યારે સંશોધન કેન્દ્રના અધિકારીએ કહ્યું કે આ બાગાયત વિભાગની કચેરી નથી. તાલાલાની કચેરી વેરાવળ છે. ખરેખર તમારે આવેદનપત્ર આપવા વેરાવળ જવું જોઈએ. તાલાલા પંથકનો મોટો વિસ્તાર બાગાયત છે. છતાં પણ તાલાલાની બાગાયત કચેરી વેરાવળ બેસતી હોય કિસાનો પણ અચંબામાં પડી ગયા હતા.