Air India Plane Crash TATA Compensation: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ ઉપરાંત વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયુ હોવાથી ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે. જેમાં અગાઉ ટાટા ગ્રુપે અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક મુસાફરના પરિવારને રૂ. 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમજ હવે ટાટા ગ્રુપે કોલેજ હોસ્ટેલના પરિસરમાં હાજર જીવ ગુમાવનાર લોકો માટે પણ રૂ. 1 કરોડની આર્થિક સહાયની સ્પષ્ટતા કરી છે.
મૃતક મુસાફરોની સાથે આ લોકોને પણ મળશે આર્થિક સહાય
બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે વિમાન અથડાયું તે દરમિયાન ત્યાં બિલ્ડીંગ પરિસરમાં હાજર મૃતકોમાં ઘણા ડૉકટર, તબીબી વિદ્યાર્થીઓ, હોસ્પિટલ સ્ટાફ અને એરપોર્ટ નજીકના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અનેક લોકોનો સમાવેશ થાય છે. આથી ટાટા ગ્રુપે એવી સ્પષ્ટતા કરી છે કે, ‘વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સાથે સાથે દુર્ઘટના સમયે બિલ્ડીંગ પરિસરમાં હાજર લોકો પણ વળતર મેળવવા પાત્ર છે.’
ટાટા ગ્રુપ અકસ્માતમાં ઘાયલોની તબીબી સારવારનો ખર્ચ પણ ઉઠાવશે
આ ઉપરાંત ટાટા ગ્રુપે એવી પણ જાહેરાત કરી છે કે, ‘અમે અકસ્માતમાં ઘાયલોની તબીબી સારવારનો ખર્ચ પણ ઉઠાવશુ, જેથી ઘાયલોને જરૂરી મદદ અને સંભાળ મળી શકે. એટલું જ નહીં, ટાટા ગ્રુપ ડ્રીમલાઇનર અકસ્માતમાં ખરાબ રીતે નુકસાન પામેલા બીજે મેડિકલ હોસ્ટેલના પુનઃનિર્માણમાં પણ મદદ કરશે.’ તેમજ ટાટા ગ્રુપ દ્વારા આપવામાં આવેલા 1 કરોડ રૂપિયાની સહાય ઉપરાંત, અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને વીમા કંપનીઓ તરફથી પણ વળતર મળશે.