અમદાવાદ : ભારતના આઠ મુખ્ય માળખાગત ઉદ્યોગોનો ઉત્પાદન વૃદ્ધિ મે મહિનામાં ઘટીને ૦.૭ ટકા થયો હતો, જે છેલ્લા નવ મહિનામાં સૌથી નીચો છે. એપ્રિલમાં આ આંકડો ૧ ટકા હતો અને આ વખતે અડધા ક્ષેત્રોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
છેલ્લા નવ મહિનામાં પહેલીવાર, વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને તે મે મહિનામાં ૫.૮ ટકા ઘટયો હતો, જે જૂન ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ૧.૮ ટકાનો ઘટાડો થયો હતો, જે સતત પાંચમા મહિનામાં ઘટયું હતું.
ખાતર ઉત્પાદનમાં સતત બીજા મહિનામાં ઘટાડો થયો છે અને તે મે મહિનામાં ૫.૯ ટકા ઘટયું હતું, જે ગયા વર્ષે ફેબ્રુઆરી પછીનો સૌથી તીવ્ર ઘટાડો છે. કુદરતી ગેસનું ઉત્પાદન સતત ૧૧મા મહિનામાં ઓછું રહ્યું હતું અને ૩.૬ ટકા ઘટયું હતું.
સકારાત્મક બાજુએ, મે મહિનામાં સિમેન્ટ ઉત્પાદનમાં સુધારો થયો અને તે મે મહિનામાં ૯.૨ ટકા વધ્યું હતું, જે એપ્રિલમાં છ મહિનાના નીચલા સ્તર ૬.૩ ટકાથી સુધર્યું છે. સ્ટીલ ઉત્પાદનમાં પણ વધારો થયો અને મે મહિનામાં ૬.૭ ટકાનો વધારો જોવા મળ્યો, જે એપ્રિલમાં માત્ર ૪.૪ ટકા હતો. જો કે ઉત્પાદનનો આંકડો એપ્રિલમાં સૌથી નીચો હતો.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, આ સ્પષ્ટ કરે છે કે માળખાગત પ્રવૃત્તિઓમાં વેગથી સ્ટીલ ઉત્પાદનમાં સુધારો જોવાયો છે. બાંધકામ અને વાહનો ઉપરાંત, મૂડી માલની માંગને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાવી શકાય છે. સિમેન્ટે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે, જે મૂડી ખર્ચમાં સરકારની પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે.
કોલસા ઉત્પાદનનો વિકાસ દર એપ્રિલમાં ૩.૫ ટકાથી થોડો ઘટીને ૨.૮ ટકા થયો છે, જ્યારે રિફાઇનરી ઉત્પાદનોનું ઉત્પાદન એપ્રિલમાં ૪.૫ ટકા ઘટયા પછી મે મહિનામાં ૧.૧ ટકા વધ્યું હતું.