અમદાવાદ : નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસયુ) ને સલાહ આપી છે કે તેઓ તેમની પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસોને મજબૂત બનાવે અને શેરબજારમાં લિસ્ટિંગ (આઈપીઓ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ) માટે તૈયારી કરે, જેથી બેંકો સારું વળતર મેળવી શકે.
મંત્રાલયે કહ્યું છે કે બેંકોએ જરૂર પડે ત્યાં તેમની પેટાકંપનીઓમાં રોકાણ કરીને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવો જોઈએ. આ પછી, યોગ્ય સમયે શેરબજારમાં લિસ્ટિંગ દ્વારા મૂડી એકત્ર કરવી અને મૂલ્યને અનલાક કરવું જોઈએ.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક તેની બે મોટી કંપનીઓ SBI જનરલ ઇન્શ્યોોરન્સ અને SBI પેમેન્ટ સર્વિસિસને ભવિષ્યમાં શેરબજારમાં લિસ્ટ કરી શકે છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં, SBIનો હિસ્સો ઘટીને ૬૮.૯૯% થઈ ગયો છે, જે પહેલા ૬૯.૧૧% હતો. SBI પેમેન્ટ સર્વિસીસમાં SBI પાસે ૭૪% હિસ્સો છે, બાકીનો હિસ્સો હિટાચી પેમેન્ટ સર્વિસીસનો છે.
કેનેરા બેંકે તેની બે કંપનીઓને લિસ્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની કેનેરા બેંક અને રોબેકો ગુ્રપનું સંયુક્ત સાહસ છે. લિસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. કેનેરા HSBC લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તેને કેનેરા બેંકનો ૧૪.૫% હિસ્સો (હિસ્સો ઘટાડવો) વેચવાની મંજૂરી મળી ગઈ છે.
આગામી વર્ષોમાં ઓછામાં ઓછી ૧૫ જાહેર ક્ષેત્રની કંપનીઓ આઈપીઓ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ કરે તેવી શક્યતા છે. જો આ યોજનાઓ સફળ થાય છે, તો તે બેંકોની મૂડી સ્થિતિને મજબૂત બનાવશે અને દેશના નાણાકીય બજારોને પણ મજબૂત બનાવશે.