Air India Plane Crash Report: ગત 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં બનેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એર ઇન્ડિયાનું B787-8 વિમાન ટેક-ઓફના ગણતરીના સેકન્ડોમાં જ જમીન પરના બિલ્ડિંગ્સ સાથે અથડાયું અને ભયાનક આગ લાગી, જેના કારણે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું. પ્લેન ક્રેશના પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર, વિમાન ક્રેશ થવા પાછળનું સંભવિત મુખ્ય કારણ એન્જિનમાં ઇંધણનો પ્રવાહ અચાનક બંધ થઈ જવો (ફ્યુલ કટઓફ) હોવાનું જણાઈ રહ્યું છે. EAFR (એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઇટ રેકોર્ડર) ડેટા અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાંથી મળેલા પુરાવા આ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. આ દુર્ઘટનામાં પાંચ ઇમારતોને ગંભીર માળખાકીય અને આગને કારણે નુકસાન થયું હતું. જો કે, આ સમગ્ર તપાસમાં એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજ પણ અત્યંત મહત્ત્વની કડી સાબિત થયા હોવાનું કહેવાય છે.