Bihar Assembly Polls: બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025ની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધનમાં બેઠક ફાળવણી મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે. મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસના ભાગમાં 2020ની તુલનાએ ઓછી બેઠકો આવી શકે છે. પક્ષ 50થી 60 બેઠક પર ચૂંટણી લડી શકે છે. જ્યારે આરજેડી અને વામ પક્ષ વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે વાતચીત ચાલી રહી છે.
કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે ચૂંટણીમાં 50થી 60 બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે. તે વધુ બેઠકો પર ચૂંટણી લડવાના બદલે એવી બેઠક પર ફોકસ કરશે, જ્યાં તેની જીતવાની સંભાવના વધુ છે. સાથે કોંગ્રેસ આ સુનિશ્ચિત કરવા માગે છે કે, બેઠક ફાળવણી મુદ્દે મહાગઠબંધનમાં કોઈ મનદુઃખ ન થાય.
2020 વિધાનસભા ચૂંટણીમાંથી લેશે પાઠ
બિહારમાં 2020માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 70 બેઠક પર ચૂંટણી લડી હતી. પરંતુ માત્ર 19 બેઠક જ જીતી શકી હતી. આરજેડીના નેતૃત્વ હેઠળ મહાગઠબંધન ખૂબ ઓછા મત સાથે પરાજિત થયુ હતું. પરાજયનો દોષનો ટોપલો કોંગ્રેસના માથે ઢોળાયો હતો. ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષો જેમ કે, સીપીએમ, સીપીઆઈ અને સીપીઆઈ (એમએલ)નો સ્ટ્રાઈક રેટ કોંગ્રેસ કરતાં વધુ સારો રહ્યો હતો. આરજેડી 75 બેઠક જીતી રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. મહાગઠબંધનના ખાતામાં એકંદરે 110 બેઠક આવી હતી.
આ પણ વાંચોઃ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા
કોંગ્રેસનો આ પ્રયાસ
2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું નબળુ પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષે સારૂ પ્રદર્શન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં આરજેડી 23 બેઠકમાંથી માત્ર ચાર બેઠક પર જીત હાંસલ કરી હતી, જ્યારે કોંગ્રેસે નવ બેઠકમાંથી ત્રણ બેઠક પર જીત મેળવી હતી. 2024ની સંસદીય ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસનું મનોબળ વધાર્યું છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ તે બિહારમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના માટે કોંગ્રેસ મહાગઠબંધનમાં કોઈ મડાગાંઠ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. પછાત વર્ગનો સંપર્ક સાધી મહાગઠબંધનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.