– ધોળકાના સરોડા થઇ અમદાવાદ જવાના માર્ગે
– સરોડા સહિત આસપાસના ગામના લોકો અને વાહન ચાલકો માટે આ પુલ ઉપયોગી, રિપેરિંગ હાથ ધરવા માંગ
ધોળકા : ધોળકાના સરોડા ગામે સાબરમતીના વિશાળ પટ પર એકાદ-બે વર્ષ પહેલા બાંધવામાં આવેલા પુલમાં તિરાડો પડી ગઇ છે. રસ્તા પર ગાબડા પડવા લાગ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે પુલનું રિપેરિંગ કામ હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ધોળકાથી વાયા સરોડા થઇ અમદાવાદ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર સરોડા ગામ નજીકથી સાબરમતી નદી પસાર થાય છે. આ નદી ઉપર એકાદ બે વર્ષ અગાઉ તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પુલ બનાવાયો છે. આ પુલ સાબરમતીના બે કાંઠાને જોડાતો મહત્વનો પુલ છે. સરોડા ગામ અને આસપાના ગામના લોકો અને વાહન ચાલકો માટે લાભકારી છે.
ત્યાર નવો બનેલો આ પુલના રોડ ઉપર ઠેરઠેર તિરાડો પડી ચુકી છે. નાના મોટા ખાડાઓ પણ રોડ ઉપર પડવા માંડયા છે. તંત્ર દ્વારા ખર્ચેલા લાખો રૂપિયા એળે ગયા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે પુલના રોડ પર પડી રહેલા ગાબડાઓમાંથી લોખંડના સળીયા પણ દેખાઇ રહ્યાં છે. આવનારા દિવસોમાં આ નવો બનાવેલો પુલ ઉપરના રોડ ગાબડાયુક્ત બની જશે તેવું વાહન ચાલકો અને રાહદારીઓને દેખાઇ રહ્યું છે અને લાગી રહ્યું છે પરંતુ તંત્રના અધિકારીઓ કે રાજકીય અગ્રહણીને આ રોડ પરના ગાબડા દેખાતા નથી.