Vadodara : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતએ ગેરેન્ટીમાં હોય છતાં માર્ગ પર ખાડા પડી જવા મામલે ઇજારદાર, અધિકારી બંને પાસેથી દંડ વસુલવા તથા આજવા સરોવરમાંથી માટી ક્યાં નખાઈ? તેનો અહેવાલ સભામાં રજૂ કરવા રજૂઆત કરી છે.
કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે રજૂઆત કરી હતી કે, શહેરમાં ચોમાસા ટાણે અનેક વિસ્તારમાં રસ્તા પર ખાડા પડી ગયા છે. જે ઇજાદારોએ કામ કર્યું છે અને તેઓની હજુ જવાબદારી છે ત્યાં તાત્કાલિક ધોરણે ખાડો પુરાવવામાં આવે, આ સાથે ખાડો પડ્યો હોય તે રોડનો કોર ટેસ્ટ પણ કરાવવામાં આવે. જ્યારે ઇજારદારે રોડના મેન્ટેનન્સનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ લીધો હોય અને રોડ 10 વર્ષ ચાલવો જોઈએ તો એક વર્ષમાં રસ્તામાં ખાડા કેવી રીતે પડી જાય? આ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારી બંને વિરુદ્ધ કાર્યવાહી કરો. કારણ કે રોડના ઇજારદારોએ જાણે શહેરને બાનમાં લીધું હોય તેમ ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. એટલું જ નહીં, રોડના આઠ ઇજારદારોએ પાલિકા હદમાં થતા કામો વહેંચી લીધા છે, આ માટે આપણે ઇજારદારને માત્ર રૂપિયા 50,000નો દંડ કરી સંતોષ ના માનવો જોઈએ. કારણકે તેઓએ બનાવેલ હલકી કક્ષાના માર્ગના કારણે આજે હજારો નાગરિકો અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ ડ્રેનેજ અને રસ્તાના કામમાં ચરી પડી ગઈ છે આવા ઈજારદારોનું પેમેન્ટ રોકો, તેઓને દંડ કરો અને આ તમામ ખોટા કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે. અમીબેન રાવતે એમ પણ જણાવ્યું કે, આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેરીજનને આજવા તળાવમાંથી જોઈએ તેટલી માટી વિનામૂલ્યે આપી દેતા હતા. પાલિકાના અહેવાલ મુજબ, આજવામાંથી 27 લાખ મેટ્રિક ટન માટી બહાર કાઢવામાં આવી છે પરંતુ આ માટી ક્યાં ગઈ? તેની વિગત સભામાં જાહેર થવી જોઈએ. કારણ કે કોર્પોરેટરોએ સ્મશાન અથવા પોતાના વિસ્તારમાં માટી નાખવાની ભલામણ થઈ હતી પરંતુ ત્યાં માટી નંખાઈ નથી અને બિલ્ડરો અને માલેતુજારોના સૂચન મુજબ માટી નાખવામાં આવી છે. આ માટી ભલે મફતમાં અપાઈ હોય પરંતુ તેનું ખોદાણ અને ટ્રાન્સપોર્ટેશનના પૈસા કોર્પોરેશને ચૂકવ્યા છે. જેથી તમામ શહેરીજનોને આ મામલે સત્યતા ખબર પડાવી જોઈએ.