Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ બંને સદનમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. સરકાર અને વિપક્ષ અનેક મુદ્દાઓ પર એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા હતા. જો કે, ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સંસદ ભવનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કાયદા મંત્રી અર્જુન મેઘવાલ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા મંત્રીઓ હાજર રહ્યા હતા.
સંસદની કામગીરી પર વિચાર-વિમર્શ – સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદના આજથી શરુ થયેલા ચોમાસુ સત્રને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી, જેમાં સત્રની રૂપરેખા, કાયદાકીય કાર્યસૂચિ અને વિપક્ષ તરફથી સંભવિત રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે સરકાર આ સત્રમાં કેટલાક મહત્ત્વપૂર્ણ બિલ રજૂ અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ બેઠકમાં સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અને અનેક મંત્રાલયોના સંકલન પર પણ વિચારણા કરવામાં આવી હતી. જોકે, બેઠકની કાર્યસૂચિ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પીએમ મોદી યુકે અને માલદીવની મુલાકાત પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23-24 જુલાઈના રોજ યુકેની સત્તાવાર મુલાકાતે જશે. PM મોદીની આ ચોથી સત્તાવાર મુલાકાત હશે. યુકે બાદ પીએમ મોદી 25-26 જુલાઈ 2025ના રોજ માલદીવ્સની સત્તાવાર મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી માલદીવ્સના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોઇઝુના આમંત્રણ પર માલદીવ્સ જઈ રહ્યા છે.