– આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ
– મહિના અગાઉ મોર્નિંગ વૉકથી પરત ફરતી વૃદ્ધાના દોરોની બે બાઈક સવારે લૂંટ કરી હતી
નડિયાદ : નડિયાદ શહેરમાં મહિના પહેલા મોનગ વોક પર નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની ચિલઝડપ કરી બાઈક પર બે શખ્સો નાસી ગયા હતા. નડિયાદ પોલીસે તપાસ કરી સોનાનો દોરો ચોરી જનારા બે બાઈક સવારને ઝડપી પાડયા છે.
નડિયાદ ટાઉન સર્વેલન્સ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અમદાવાદ છારાનગરમાં રહેતા બે શખ્સો રસ્તે જતા આવતા વૃદ્ધના દાગીના આંચકી મોટરસાયકલ ઉપર ભાગી જવાના ગુના કરનારા નંબર વગરની બાઈક લઈને નડિયાદ શહેરમાંથી નીકળવાના હતા. ત્યારે નડિયાદ ટાઉન સર્વેલનસ પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાન મોટરસાયકલ પર આવતા બે ઇસમોને રોકી પૂછપરછ કરતા જુગનું ઉર્ફે જીગ્નેશ દિનેશ ઘાસી તેમજ રાકેશ ઉર્ફે મુસીયો બંસી બંગાલી રહે. કુબેરનગર, અમદાવાદવાળા હોવાનું જણાવ્યું હતું.
બંનેની વધુ પૂછપરછ કરતા તેઓએ નડિયાદ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની ચિલઝડપ કર્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસેઆ પકડાયેલા આરોપીઓ પાસેથી સોનાનો દોરો તેમજ બાઈક જપ્ત કરી હતી. શિવનગર સોસાયટીમાં રહેતા અને મોર્નિંગવૉકમાં જતા ચંદ્રિકાબેન દિનેશભાઈ શાહના ગળામાંથી તા. ૯/૬/૨૦૨૫ના રોજ સોનાના દોરાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
પાસા થયેલા આરોપી વિરૂદ્ધ કર્ણાટક, રાજસ્થાન સહિત 11 જગ્યાએ ગુના
આરોપી જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઇ ઘાંસી વિરૂધ્ધ પાસા પણ થયેલી છે. જ્યારે અંકલેશ્વર જીઆઇડીસી, અંકલેશ્વર શહેર, સુરત કામરેજ, વડોદરા ફતેગંજ, રાજકોટ શહેર એ ડિવિઝન, અમદાવાદ શહેર કુબેરનગર અને નવરંગપુરા, કર્ણાટક રાજયના હુબલી સુબુરબન, બારડોલી, નયાપુરા કોટા રાજસ્થાન, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી રાકેશભાઇ ઉર્ફે મુસીયો બંસીભાઇ બંગાલી વિરૂદ્ધ નડિયાદ ટાઉન, સાણંદ તેમજ અમદાવાદ રેલવે અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે.