Panchmahal Road Digging :પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં અણીયાદ ચોકડી નજીક હાઇવે પર દર વર્ષે ચોમાસામાં પાણીનો ભરાવો સામાન્ય છે. આ દરમિયાન સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે હાઇવેની સંભાળ રાખતી કંપનીએ ભર ચોમાસામાં કામ શરૂ કર્યું હતું, જે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે. આ કારણસર રોજેરોજ હજારો વાહન ચાલકો સહિત સ્થાનિકોની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે.
આ પણ વાંચો: પિતાએ મોબાઈલ આપવાની ના કહેતા 17 વર્ષના પુત્રએ કર્યો આપઘાત, સુરતના પાંડેસરા વિસ્તારની હચમચાવી દેનારી ઘટના
ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીથી લોકો ત્રાહિમામ
આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. આ ઉપરાંત, આસપાસના વેપારીઓના ધંધા રોજગારમાં પણ અસર થતી હોવાની સાથે હાલાકી વેઠવી પડી રહી છે. જેથી ચોમાસા વખતે વરસાદી પાણીના નિકાલ માટે નાળા નાંખવા ખોદકામ કરવાની કામગીરી કેટલી હદે યોગ્ય ગણી શકાય તે એક પ્રશ્ન છે.
ચોમાસા પહેલા ખોદકામ કર્યું હોત, તો યોગ્ય કામ થયું હોત!
જો આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવાઈ હોત, તો પાણીનો નિકાલ પણ થઈ ગયો હોત અને કામગીરી પણ સારી રીતે પૂરી થઈ શકી હોત! પરંતુ ચોમાસામાં જ વરસાદી પાણીના નિકાલની કામગીરીને લઈને વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં વાડીની વચલી પોળમાં છેલ્લા બાર દિવસથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકોનો હોબાળો
આ અંગે સ્થાનિકો અને વેપારીઓની માગ છે કે, પંચમહાલ જિલ્લા કલેક્ટર જ આ કામગીરી વહેલી તકે પૂરી કરવાનો નિર્દેશ કરે એવી અમારી માંગ છે.