Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક 17 વર્ષીય કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડતા આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી જવા પામી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતો આ કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જોકે, અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે તે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. જેને લઈને તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ નિર્ણયથી નારાજ વિદ્યાર્થીને આઘાત લાગતાં તેણે જીવન ટૂંકાવી દીધું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં મોબાઈલની લત અને તેના ગંભીર પરિણામો પર ચિંતા ઉભી કરી છે. વાલીઓએ બાળકોના મોબાઈલ ઉપયોગ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.