Dog Attack in Surat: સુરત જિલ્લામાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે. માંગરોળ તાલુકાના કોસાડી ગામે વધુ એક માસૂમ બાળકી કૂતરાઓના હુમલાનો ભોગ બની છે. કોસાડી ગામે બાળવાટિકામાં શૌચાલય ગયેલી 6 વર્ષની શિવાંગી સતીશ વસાવા નામની બાળકીને ત્રણ રખડતા કૂતરાઓએ ફાડી ખાધી હતી. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર કોસાડી ગામ અને બાળકીના શ્રમજીવી પરિવારમાં શોકનો માહોલ છવાતાં વાતાવરણ ગમગીન બન્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સતીશ વસાવાની 6 વર્ષીય દીકરી શિવાંગી કોસાડી ગામની બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી. આજે (22 જુલાઇ) ના રોજ શૌચાલય જવા માટે બાળવાટિકા પરિસરમાં જ એકલી ગઈ હતી, ત્યારે અચાનક ત્રણ રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કરી દીધો હતો. કૂતરાઓએ બાળકીને ગંભીર રીતે ફાડી ખાધી હતી. બાળકીની ચીસો સાંભળીને શાળા નજીકથી પસાર થઈ રહેલા એક યુવક જોઈ ગયો હતો અને તાત્કાલિક મદદે દોડી ગયો હતો. કૂતરાને ટોળાને ત્યાંથી ભગાડી બાળકીને ઘાયલ અવસ્થામાં બચાવી લેવામાં આવી હતી.
યુવકની બૂમરાણ સાંભળીને શાળાનો સ્ટાફ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલી બાળકી શિવાંગીને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, કૂતરાઓના હુમલામાં શિવાંગીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને કારણે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત
આ ઘટનાથી શ્રમજીવી પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ છે. કોસાડી ગામે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વસાવા દંપતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરાઓને કારણે ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે તંત્રની બેદરકારી અને રખડતા કૂતરાઓના વધતા આતંક પર ગંભીર સવાલો ઉભા કરે છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે રોષ વ્યાપી ગયો છે. તેમણે તંત્ર દ્વારા રખડતા કૂતરાઓનો બંદોબસ્ત કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ રખડતા કૂતરાઓના વધતા જતા આતંક અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે.