સાયબર ગઠિયાઓનો તરખાટ હજી પણ યથાવત
વોટ્સએપ ઉપર લિંક મોકલાવીને તબક્કાવાર રૃપિયા પડાવવામાં આવ્યા ઃ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે
સેક્ટર નવમા રહેતા અને ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી
પણ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે. આઇપીઓમાં રોકાણની લાલચમાં તેમણે ૧.૨૦ કરોડ
રૃપિયાનું રોકાણ કરી દીધું હતું અને તેમની સાથે છેતરપિંડી થતાં ગાંધીનગર રેન્જ
સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી છે.
છેલ્લા ઘણા સમયથી સાયબર ગઠિયાઓ યુવતીઓ,મહિલાઓ અને
વૃદ્ધોને નિશાન બનાવી રહી છે ત્યારે ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારી પણ આ સાઇબર
ગઠિયાઓનો ભોગ બન્યા છે. કેન્દ્ર સરકારની સુરક્ષાને લગતી એજન્સીમાં કામ કરતા અને
સેક્ટર ૯ ખાતે રહેતા અધિકારીને સોશિયલ મીડિયા ઉપર આઇપીઓ અને શેર બજાર સંબંધિત
વિડિયો જોવા મળ્યો હતો. જેને વારંવાર જોતા તેમને એક લિંક મોકલવામાં આવી હતી અને તે
લિંક ઓપન કરતાની સાથે વોટ્સએપ ગ્પમાં જોડાઈ ગયા હતા. જ્યાં તેમને આઈપીઓ અને
શેરબજારની વિવિધ ટિપ્સ આપવામાં આવતી હતી. આ માહિતીના આધારે તેમણે આઇપીઓમાં રોકાણ
શરૃ કર્યું હતું અને તેના કારણે તેમને નફો પણ મળ્યો હતો. જે રકમ તેમના ખાતામાં
ટ્રાન્સફર પણ થઈ ગઈ હતી. જેથી તેમણે ગ્પ દ્વારા નિર્દેશિત અન્ય આઈપીઓમાં રોકાણ
કરવાનું શરૃ કર્યું હતું અને તબક્કાવાર ૧.૨૦ કરોડ રૃપિયા જેટલી રકમ રોકી લીધી હતી.
જેની સામે તેમને વધુ રકમનો નફો બતાવવામાં આવતો હતો. આ દરમિયાન તેમણે આ રૃપિયા
ઉપાડવાનો પ્રયાસ કરતા ૨૫ ટકા ટેક્સ ભરવાની માંગણી કરવામાં આવી હતી અને જેના પગલે
તેમની સાથે છેતરપિંડી થઈ હવાનો અહેસાસ થયો હતો. જેથી આ સંદર્ભે ગાંધીનગર રેન્જ
સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સાઇબર
ગઠિયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. પોલીસની અપીલ છતાં જાગૃત અને શિક્ષિત
વ્યક્તિઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે તે પણ નવાઈની બાબત છે.