US-India Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25 ટકા ટેરિફ અને વધારાનો દંડ ઝિંકવાની જાહેરાત કરી છે. નવો ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થશે. ટ્રમ્પે ભારત રશિયા પાસેથી સતત ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી અને લાંબા સમયથી વેપાર અડચણોના કારણે આ નિર્ણય લીધો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.’ ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. ભાજપે ટ્રમ્પના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કહ્યો છે, તો કોંગ્રેસે વિદેશ નીતિની નિષ્ફળતાનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર ભાજપે શું કહ્યું?
ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે (BJP MP Praveen Khandelwal) કહ્યું કે, ‘ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત સરકાર નિશ્ચિત કોઈ પગલું ભરશે. સરકાર અમેરિકન વહિવટી તંત્ર સાથે પણ વાત કરી શકે છે. ટ્રમ્પના નિર્ણય બાદ ચીજ-વસ્તુઓ મોંઘી થઈ જશે. આપણે અભ્યાસ કરવો પડશે કે, ટેરિફના કારણે માર્કેટ પર શું અસર થશે? ટેરિફ લગાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. મને આશા છે કે, ટ્રમ્પ તંત્રને વહેલી તકે અનુભૂતી થશે અને તેઓ નિર્ણયને પરત ખેંચી લેશે.’
હાઉડી મોદીની પ્રશંસાનો કોઈ અર્થ નહીં : કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે (Congress MP Jairam Ramesh) કહ્યું કે, ‘ટ્રમ્પે ભારતની આયાત પર 25 ટકા ટેરિફ અને દંડ ઝિંક્યો છે. ટ્રમ્પ અને હાઉડી મોદી વચ્ચે થયેલી આ તમામ પ્રશંસાનો કોઈ અર્થ રહ્યો નથી. નરેન્દ્ર મોદીએ વિચાર્યું હતું કે, જો તેઓ ટ્રમ્પે ભારત પર કરેલા અપમાજનક શબ્દોથી ચૂપ (ઑપરેશન સિંદૂર અટકાવવા માટે 30 દાવા, પાકિસ્તાની સેના પ્રમુખ માટે વિશેષ ભોજન, પાકિસ્તાનને આઈએમએફ અને વિશ્વ બેંક પાસેથી વિશેષ આર્થિક પેકેજ આપવા માટે અમેરિકાનું સમર્થન) રહે તો ટ્રમ્પના હાથથી ભારતને વિશેષ દરજ્જો મળશે, દેખીતી રીતે એવું બન્યું નથી. તેમણએ (મોદી) ઈન્દિરા ગાંધી પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સામે ઉભું રહેવું જોઈએ.’
મોદી સરકારે દેશના રાષ્ટ્રીય હિત સાથે સમજૂતી કરી : કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત
ટ્રમ્પની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે (Congress spokesperson Supriya Shrinate) મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકાનો નિર્ણય ભારતીય અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબીત થશે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને હથિયારો ખરીદતા ટ્રમ્પે 25 ટકા ટેરિફ અને દંડ લાદવાની જાહેરાત કરી છે. મોદી ટ્રમ્પને લલચાવવા માટે તમામ પ્રયાશ કરી રહ્યા હતા, ત્યારે આ બધુ થયું છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, ભાજપ સરકાર અને વડાપ્રધાને ભારતના રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી કરી છે. ટ્રમ્પના નિર્ણયથી આપણી અર્થવ્યવસ્થા, આપણા સ્થાનીક ઉદ્યોગ, આપણી નિકાસ અને રોજગાર પર દૂરગામી પરિણામો પડશે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમને આશ્ચર્ય થાય છે કે, મોદીએ કોઈપણ આમંત્રણ વગર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળવા માટે દોડી દોડીને શું વાતચીત કરી હશે? નમસ્તે ટ્રમ્પ, હાઉડી મોદી, અબકી બાર ટ્રમ્પ સરકારથી ભારતને વાસ્તવમાં શું મળ્યું?’
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ ઝિંકવો નિંદનીય : સમાજવાદી પાર્ટી
સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયા (Samajwadi Party MP Anand Bhadauria)એ કહ્યું કે, ‘અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ ઝિંકવો નિંદનીય છે. વડાપ્રધાનનું ગઈકાલનું ભાષણ નિરાશાજનક હતું, માત્ર ટેરિફ મામલે જ નહીં, યુદ્ધવિરામ મામલે પણ…’
શિવસેના યુબીટીએ શું કહ્યું?
શિવસેના યુબીટીના સાંસદ અરવિંદ સાવંતે (Shiv Sena UBT MP Arvind Sawant) કહ્યું કે, ‘ભારત પર 25 ટકા ટેરિફ ઝિંકવો ખૂબ જ ગંભીર છે. આના કારણે મોટી અસર પડશે. તમે શું નિકાસ કરશો, જે વસ્તુઓ ત્યાં સસ્તી જતી હતી, લોકો ખરીદતા હતા, હવે તેઓ કેમ ખરીદશે. ટ્રમ્પનો ડાયલોક અલગ છે, અમેરિકન ફર્સ્ટ… ગઈકાલે અમારા સહયોગી સભ્યએ કહ્યું હતું કે, શિલોંગમાં માછીમારોને પકડવામાં આવી રહ્યા છે, તેમને છોડાવવા કોઈ જતું થી, પરંતુ ત્યાં દોસ્ત માટે વેપાર કરવા જાય છે. દોસ્ત ફર્સ્ટ છે.’
આ પણ વાંચો : ‘તમારું આચરણ વિશ્વસનીય નથી, તમે હાજર જ કેમ થયા..’, જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટના તીખાં સવાલ
આ પણ વાંચો : પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’