Vadodara : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો.આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાના બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-2025 ટુર્નામેન્ટમાં ભારત સહિત 11 દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્યમંત્રીએ શુભેચ્છાપત્રમાં જણાવ્યું હતું કે, ચાર વર્ષની ઉંમરમાં ચેસ જેવી મનોયત્ન માંગી લેતી રમતમાં રૂચિ હોવી, એ આનંદની વાત છે. ડો.આનંદભાઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી રહી ચૂક્યા છે, જે વારસાને તેમની દીકરી આગળ વધારી રહી છે, તે ગૌરવની વાત છે. સાડા ત્રણ વર્ષની ઉંમરે દીકરી અનન્યાએ ચેસ રમવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં બે રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે, તે સરાહનીય છે.