Vadodara Gambhira Bridge Collapse: વડોદરામાં ગયા મહિને ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એકાએક બ્રિજ તૂટી પડતા 20થી વધુ લોકોએ પોતાની જીવ ગુમાવ્યો હતો. જોકે, આ દરમિયાન બ્રિજના છેડે એક ટેન્કર અટવાઈ ગયું હતું. ટેન્કરના માલિક દ્વારા છેલ્લાં ઘણાં સમયથી તેને ઉતારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે જતા છેક વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દુર્ઘટનાના 23 દિવસ બાદ નીચે ઉતારાશે ટેન્કર
દુર્ઘટનાના 23 દિવસ બાદ આ ટેન્કર નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટેન્કર નીચે ઉતારવાની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી છે. પોરબંદરની એક ખાનગી કંપનીને આ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં બલૂન ટેક્નોલોજીની મદદથી ટેન્કર નીચે ઉતારવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ પ્રક્રિયામાં ક્રેનની મદદ લેવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું!
શું કહ્યું કલેક્ટરે?
આ મુદ્દે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ રેસ્ક્યૂ ઓપરેશન જોખમી છે પરંતુ, માનવની સંડોવણી પણ થવાની છે. ત્યારે જીવનું જોખમ ન થાય તે રીતે આયોજન કરાયું છે. બલૂન ટેકનોલોજી અને નેના મીટરની થીકનેસવાળી ટયૂબો મૂકીને ટેન્કરને ઉપાડી લેવામાં આવશે.’
શું છે બલૂન ટેક્નોલોજી?
જ્યારે કોઈ મોટું વાહન નદીમાં પડી જાય, ખીણમાં ખાબકે કે પછી ખતરનાક જગ્યા પર ફસાઈ જાય, ત્યારે તેને સલામત રીતે બહાર કાઢવા માટે જે ટેક્નોલોજી વપરાય છે તેમાં એર લિફ્ટિંગ બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ટેક્નોલોજી હવામાં ભરેલા વિશેષ પ્રકારના બલૂન્સ (એરબેગ્સ) નો ઉપયોગ કરે છે, જે ભારી વાહનો જેમ કે ટ્રક, બસ, કે કારને સ્થિર કરી શકે છે, ઊંચકીને સપાટી પર લાવી શકે છે અથવા પાણીમાંથી બહાર કાઢી શકે છે.
આ પણ વાંચોઃ અનિરુદ્ધ સિંહ રીબડાના પેટ્રોલ પંપ ફાયરિંગ કરનારા બે શખસની UPથી ધરપકડ, હવે હાર્દિકસિંહની શોધખોળ શરૂ
ગંભીરા બ્રિજ દુર્ઘટના
ગત મહિને 9 જુલાઈના રોજ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું અને બ્રિજના બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.