તસવીર : IANS
Congress divided on Trump remark : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને કારણે તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે. જે બાદ ભારતમાં પણ રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદનને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે.
રાહુલ ગાંધીએ કર્યું હતું ટ્રમ્પનું સમર્થન
ભારત પર ટેરિફ લગાવવાની સાથે સાથે ટ્રમ્પ ઝેરી નિવેદનો પણ આપી રહ્યા છે. ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું છે. એવામાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાચા જ છે. ભારતની અર્થવ્યયસ્થા મૃત થઈ ગઈ છે અને આ બધુ મોદી સરકારના કારણે થયું છે. વડાપ્રધાન મોદી અને નાણામંત્રી સિવાય આખી દુનિયા જાણે છે કે ભારતનું અર્થતંત્ર મૃત છે.
જોકે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓએ વિપરીત નિવેદન આપ્યા હતા. શશી થરૂર, રાજીવ શુક્લા, કાર્તિ ચિદમ્બરમ સહિતના મોટા નેતાઓએ ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો હતો.
રાહુલ ગાંધીના નિવેદન અંગે શશી થરૂરનો જવાબ
એવામાં હવે શશી થરૂરે રાહુલ ગાંધીના નિવેદન અંગે જવાબ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું છે, કે હું મારા પક્ષના નેતાના નિવેદન પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. રાહુલ ગાંધીએ જે કહ્યું તેના પોતાના કારણ હશે. મારી ચિંતા એ છે કે ભારત અમેરિકામાં 90 અબજ ડોલરની નિકાસ કરે છે. જો વેપાર સંબંધ નબળા પડે કે ખતમ થઈ જાય તો ભારે નુકસાન થશે.