Jamnagar Corporation : જામનગર શહેરમાં શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક તહેવારોને અનુલક્ષીને શહેરના ફરાળી વાનગીના વિક્રેતાઓને ત્યાં સ્વચ્છતાનું ધોરણ જળવાયેલું રહે, તેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગત સપ્તાહમાં મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ફરાળી ખાદ્ય પદાર્થોના 17 નમુના લેવામાં આવ્યા હતા. અને તેને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અન્ય બે.પેઢીના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી છે. જ્યારે ઉપરાંતની અન્ય બે પેઢી સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાના અધિકારીઓની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયા ફરાળી ખાદ્ય ચીજોના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી કેળાની વેફર (લુઝ) અને ફરાળી ચેવડો (લુઝ), સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી તીખો મીઠો ફરાળી ચેવડો (લુઝ), ગણેશ સ્વીટ એન્ડ નમકીનમાંથી ફરાળી સ્વીટ ચેવડો અને તીખો ફરાળી ચેવડો, ગોવર્ધન ચેવડાવાલામાંથી ફરાળી ભાખરવડી, ફરાળી કચોરી અને ફરાળી ફૂલવડી, મેહુલ ફરસાણમાંથી ફરાળી તીખો ચેવડો, જય ભવાની સ્વીટ એન્ડ નમકીન માથી ફરાળી વેફર, શ્રી સંતોષ સ્વીટ એન્ડ નમકીનમાંથી મીઠો ફરાળી ચેવડો, નેશનલ વેફર એન્ડ નમકીનમાંથી ફરાળી સેવ, અંબિકા ડેરી પ્રોડક્ટમાંથી રાજગરા ફરાળી ચેવડો, કમલેશ ડેરી એન્ડ સ્વીટમાંથી ફરાળી ચેવડો, ચોઇસ સ્વીટ-નમકીનમાંથી ફરાળી ચકરી, શ્રી લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ફરાળી ચેવડો અને ફરાળી ભાખરીના નમુના લેવાયા હતા, અને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાસ્ટ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટમાં રૂબરૂ ઇન્સ્પેક્શન કરી સાફ-સફાઈ અને સ્વચ્છતા રાખવા, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા, પેઢીના કર્મચારીના સર્ટિફિકેટ મેળવી લેવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, વાસી ખોરાક નહીં રાખવા, મેનુ થતા બોર્ડમાં વેજીટેરિયનનું ગ્રીન સિમ્બોલ લગાડવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમાં રાધે રાધે રેસ્ટોરન્ટને સાફ સફાઈ અને સ્વચ્છતા તેમજ હાઇજેનિક કન્ડિશન અન્વયે સૂચના આપવામાં આવી હતી, ઓ ટુ રેસ્ટ્રો એન્ડ કાફેમાં તપાસ દરમિયાન પાંચ કિલો મન્ચુરીયન ૩ કિલો બોયલ બટેટા અને એક કિલો પાવભાજી અનહાઇજેનિક જણાત તેનો નાશ કરવામાં આવ્યો હતો અને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે આદિત્ય રેસ્ટોરન્ટમાં પણ વાસી ખોરાક નહીં રાખવા અને સ્વચ્છતા જાળવીને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા સૂચના આપવામાં આવી હતી.
સત્યમ રોડ પરની જય ગોપાલ ડેરીમાંથી લીધેલા મિક્સ દૂધના નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે. જ્યારે સુભાષ માર્કેટ માર્ગે પર આવેલી ભાનુશાલ મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સ માંથી લેવામાં આવેલ ધાણાજીરું પાવડરના નમુના અનસેફ જાહેર થતાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.
ઉપરાંત મહાકાલેશ્વર ડેરી (ગોકુલ નગર)માંથી લીધેલા દહીંના નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં રૂ.20,000 ની પેનલ્ટી તેમજ કિસાન મસાલા સીઝન સ્ટોરમાંથી લીધેલ હળદર પાવડરનો નમુનો અનસેફ જાહેર થતાં તેના સંચાલક પાસે થી રૂ.25,000 ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.