Jamnagar Police : જામનગર જિલ્લામાં કેટલાક રીલ બનાવવાના શોખીન કે જેઓ ગેરકાયદે રીતે હથિયારનો દુરુપયોગ કરીને સમાજમાં ભય પેદા કરવા માટે રીવોલ્વર જેવા હથિયારો સાથે પોતાની રિલ બનાવી સમાજમાં ભય પેદા કરી સીન સપાટા કરતાં હોય છે, આવા જ એક સીનરીયા શખ્સને સોશિયલ મીડિયાના માધ્યમથી એસ.ઓ.જી શાખાની ટુકડીએ શોધી કાઢ્યો હતો, અને તેના સીન વીખી નાખ્યા છે. પોલીસે સીન સપાટા કરનાર અને તેને હથિયાર આપનાર શખ્સ બંને સામે કાલાવડાઉન પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે, તેમજ લાઇસન્સવાળું હથીયાર કબજે કરી લેવામાં આવ્યું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડમાં શીતલા કોલોનીમાં રહેતો અને માલધારીનો વ્યવસાય કરતો ભાયાભાઈ પોલાભાઈ માલાણી નામનો 24 વર્ષનો શખ્સ કે જે પોતાના મિત્ર અને ફોટોગ્રાફર રમેશ વશરામભાઈ ઘાડિયાની માલિકીની લાયસન્સવાળી રિવોલ્વર લઈને સમાજમાં ભય ફેલાવવા અને પોતાની ધાક જમાવવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સીન સપાટા કરી રહ્યો હતો, જેને જામનગર પોલીસે શોધી કાઢ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા 80 હજારની કિંમતનું હથિયાર કબજે કરી લેવાયું છે. તે આરોપી સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો નોંધ્યો છે. સાથો સાથ તેને લાયસન્સવાળું હથિયાર આપનાર ફોટોગ્રાફર રમેશ વશરામભાઈ ધાડિયાની પણ અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ હથિયાર કબજે કરી લેવામાં આવ્યું છે. જેનું લાયસન્સ રદ કરાવવા માટેની પણ પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.