– ડેવલોપમેન્ટ માટે આવતા રૂપિયામાંથી ૪૬% ખર્ચ કરાશે
– ભવનો-કોલેજોને સેમીનાર, કોન્ફરન્સ, વર્કશોપ માટે ફાળવાની રકમમાં વધારો કરાયો, બિનજરૂરી ટેલીફોન, પોસ્ટલ વિષયક રકમમાં કાપ મુકાયો
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વર્ષ ૨૫-૨૬ના અંદાજપત્ર મંજુર કરવા છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરેલ ફાઈનાન્સ કમીટીની બેઠક બાદ આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંકુલ રૂા. ૨૫૦ કરોડનું વિકાસલક્ષી બજેટને મંજુર કરવામાં આવ્યું છે. જેમાં બીનજરૂરી ખર્ચ પર કાપ મુકાયો હતો તો સંશોધન ક્ષેત્રે ફાળવાતી રકમમાં વધારો કરાયો હોવાનું જણાયું છે.
મળતી વિગતો મુજબ ૩૧ માર્ચ આવે તે પૂર્વે વર્કીંગ દિવસ માટે આજનો દિવસ જ અંતિમ રહેતો હોય બે દિવસ પૂર્વે ફાયનાન્સ કમીટીની બેઠક યોજાઈ હતી અને વિવિધ હેડ હેઠળ ફાળવાની રકમ અને થતા ખર્ચની ચર્ચા યોજાઈ હતી તો કેટલાક હેડમાં રકમની ફાળવણી થતી હોવા છતાં વપરાશ થતો ન હોય આવા બિનજરૂરી એમાઉન્ટ ઘટાડવાનો નિર્મય લેવાયો હતો. જ્યારે વિસ્તૃત ચર્ચા બાદ એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આ બજેટ પસાર કરવાનું થતું હોય આજે બોર્ડની બેઠક મળી હતી. એક તબક્કે દર વર્ષે ૧૦ ટકા પ્રોગ્રેસીવ બજેટ રજુ કરાતુ હોય છે. પરંતુ વાસ્તવિકતામાં બજેટ જેટલી ગ્રાન્ટ આવતી નથી. ત્યારે એકચ્યુલ બજેટથી નજીક જવા મથામણ કરાઈ હતી અને સર્વાનુમતે ૨૫૦ કરોડનું વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજ-ભવનોમાં સેમીનાર, કોન્ફરન્સ, વર્કશોપ પર ભાર મુકાયો હતો. જ્યારે લેન્ડલાઈન ફોનનો ઉપયોગ ઘરના તેમજ ટપાલ સેવાને લગત ખર્ચમાં પણ કાપ મુકવામાં આવ્યો હતો. જ્યારે એકાઉન્ટ હેડ અલગ કરતા વહિવટી પ્રક્રિયા સરળ બનાવવા પ્રયાસ કરાયો હતો. આમ યુનિવર્સિટીમાં આવકના એક રૂપીયામાંથી ૪૦ પૈસા મેન્ટનાન્સ માટે, ૨૭ પૈસા સેલરી એલાઉન્સ માટે, ૧૨ પૈસા વહિવટી પ્રક્રિયા પાછળ, ૪૬ પૈસા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ પાછળ ૬ પૈસા સેલ્ફ ફાયનાન્સ પ્રોગ્રામ પાછળ ફાળવાયા છે.
યુનિવર્સિટીમાં એલ.એલ.બી સહિત 8 સરકારી કોર્ષ શરૂ કરવા દરખાસ્ત કરાશે
ભાવનગર : મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં આજે મળેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સરકારી ધોરણે એલ.એલ.બી., બીએસસી આઈટી, , એમએસસી આઈટી, સંસ્કૃત પીજી સહિતનાં ૮ કોર્ષ અને હજુ પોર્ટલ ખુલ્લુ આપેલ હોય નવા કોર્ષની મંજુરી અને તે માટેનું ઈન્ફાસ્ટ્રકચર, મહેકમ સંલગ્ન બાબતો મંજુર કરવા દરખાસ્ત કરવાનું ઠરાવાયું છે.