– સત્તાધારી ભાજપના કાઉન્સિલરનો આક્ષેપ
– ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિ.ના વિરોધાભાસી નિવેદનોનો રજૂઆતમાં ઉલ્લેખ : ઉચ્ચકક્ષાએ તપાસની માંગ
નડિયાદ : ચકલાસી પાલિકામાં અમુક કર્મચારીઓ ફરજ પર હાજર ન હોવા છતાં પગાર ચૂકવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે પાલિકાના ભાજપના કાઉન્સિલરે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.
કર્મચારીઓ કામ ઉપર આવે કે ના આવે, હાજરીપત્રકમાં અઠવાડિયાની એકસાથે સહીઓ કરી દેવામાં આવે છે અને મન ફાવે ત્યારે ઘરે જતા રહે છે. આ અંગે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનો આક્ષેપ ભાજપ શાસિત પાલિકાના સત્તાધારી પક્ષના કાઉન્સિલરે કર્યો છે.
ચકલાસી નગરપાલિકાના કર્મચારીઓ કામ પર હાજર રહેતા નથી, છતાં હાજરી પત્રકમાં અઠવાડિયાની ભેગી સહીઓ કરી દે છે, આ મામલે નગરપાલિકાના જ સત્તાધારી ભાજપ પક્ષના કાઉન્સિલર સુરેશભાઈ વાઘેલાએ આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ગેરહાજર રહેવા છતાં કર્મચારીઓ પૂરો પગાર મેળવે છે. જે અંગે લેખિત અને મૌખિક રજૂઆતો ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને કરવામાં આવી છે. ત્યારે સ્ટાફનો પગાર ઉચ્ચક છે તેથી તેઓ આવે કે ન આવે તેમને નિયમિત પગાર આપવો પડે છે તેમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ કહે છે. જ્યારે સ્ટાફનો કોઈ ફિક્સ પગાર હોતો નથી તેવું ચીફ ઓફિસર કહી રહ્યા છે. આ અંગેનો ઉલ્લેખ રજૂઆતમાં પણ કર્યો છે. ત્યારે બંને અધિકારીઓના વિરોધાભાસી નિવેદનોથી અનેક સવાલો ઉભા થવા સાથે સાચું કોણ અને કર્મચારીઓના પગારની વ્યવસ્થા શું છે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરી પગલાં લેવા માંગણી કરાઈ છે.