– 3 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
– 2024 માં બાનાખત કરી આપવા છતાં જુલાઈ-2025 માં બીજા બે શખ્સોને બાનાખત કરી આપ્યો
નડિયાદ : મહેમદાવાદમાં દેવકી વણસોલ સીમની જમીનનો બાનાખત કરી આપવા છતાં વધુ કિંમત મેળવવાના ઈરાદાથી તે જ જમીન અન્ય બે શખ્સોને વેચી દીધી હતી. આ મામલે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.
ફરિયાદી રાકેશકુમાર રજનીકાંત પટેલના જણાવ્યા મુજબ, વર્ષ પહેલા તેમને નરેન્દ્રભાઈ ઉર્ફે ભુરાભાઈ પટેલે મોહનભાઈ મોતીભાઈ ચૌહાણની દેવકી વણસોલ સીમમાં આવેલી જમીન વિશે જણાવ્યું હતું. મોહનભાઈએ ખાતરી આપી હતી કે, ભાઈઓ વચ્ચે મૌખિક વહેંચણી થઈ ગઈ હોવાથી પોતાના ભાગની જમીન વેચવા તૈયાર છે. આથી, રાકેશકુમાર પટેલે મોહનભાઈ પાસેથી સર્વે નંબર ૧૦૮૨વાળી જમીન રૂા. ૨૧ લાખની વેચાણ કિંમતે ખરીદવાનું નક્કી કર્યું હતું. મોહનભાઈએ તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ મહેમદાવાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર્ડ બાનાખત નંબર ૫૦૬૪ કરી આપ્યો અને બાના પેટે ૭,૦૦,૦૦૦ અને ૮,૦૦,૦૦૦ના ચેક લીધા હતા. બાદમાં જાણ થઈ કે મોહનભાઈએ આ જમીન અન્ય કોઈને વેચી દીધી છે. ઓનલાઈન ૭/૧૨ તપાસતા જાણવા મળ્યું કે, મોહનભાઈએ આ જમીન અમિતભાઈ માલજીભાઈ દેસાઈ અને મુકેશભાઈ લાલજીભાઈ પટેલને તા. ૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર ૨૮૯૧ કરી આપ્યો હતો. વેચાણ લેનારા અમિતભાઈ અને મુકેશભાઈ પણ જાણતા હતા કે મોહનભાઈએ અગાઉ રાકેશકુમાર સાથે બાનાખત કર્યો હતો. છતાં તેમણે એકબીજા સાથે મેળાપીપણામાં ગુનાહિત કાવતરું રચી આ જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. આથી, મોહનભાઈ ચૌહાણ, અમિતભાઈ દેસાઈ અને મુકેશભાઈ પટેલ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.