PM Modi Message For Trump: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ પર ફરી એકવાર સ્પષ્ટપણે કહી દીધુ છે કે, ખેડૂતોના હિતો સાથે ભારત ક્યારેય સમાધાન નહીં કરે. કારણકે, ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે. ટેરિફના પડકારો અને વેપાર અવરોધો વચ્ચે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનું નામ લીધા વિના ફરી એકવાર અમેરિકાને ખાસ સંદેશ આપ્યો છે.
PM મોદીએ શુક્રવારે આજે સળંગ 12મા સ્વતંત્રતા દિવસ ભાષણમાં કહ્યું કે, સ્વતંત્રતા બાદ તમામ માટે ભોજન ઉપલબ્ધ કરાવવુ તે એક પડકાર હતો. પરંતુ આપણા ખેડૂતોને આપણે આત્મનિર્ભર બનાવ્યા. ખેડૂતો, પશુપાલકો અને માછીમારો આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમના સાથે જોડાયેલી કોઈપણ અહિતકારી નીતિમાં હું દિવાલની જેમ ઉભો છું. ભારતીય ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
આત્મનિર્ભરતા પર મૂક્યો ભાર
‘આત્મનિર્ભર ભારત’ માટે મોદી સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે અન્ય દેશો પર આધાર રાખવો એ આપત્તિનું કારણ છે. આપણે આપણા હિતોનું રક્ષણ કરવા માટે આત્મનિર્ભર બનવું જોઈએ. ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવા તૈયાર છીએ.
અમેરિકા સાથે વેપાર કરારમાં આ અડચણ
ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરવા માંગતું નથી. તે અમેરિકા માટે ડેરી ક્ષેત્ર ખોલવા માંગતું નથી. ટ્રમ્પના સ્થાનિક બજાર ખોલવાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. આ જ કારણસર ભારતનો અમેરિકા સાથેનો વેપાર કરાર અટકી ગયો છે, જેના કારણે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે અને રશિયા પાસેથી ક્રૂડની સતત ખરીદી બદલ વધુ 25 ટકા ટેરિફની પણ જાહેરાત કરી હતી. જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે.
સેમીકંડક્ટરમાં બનશે આત્મનિર્ભર
વૈશ્વિક સ્તરે વેપારની અસ્થિરતા વચ્ચે પોતાના ‘સ્વદેશી’ અભિયાનને પુનરોચ્ચાર કરતા વડા પ્રધાન મોદીએ ભાર મૂક્યો કે ભારત આત્મનિર્ભર અને ઉર્જા-સ્વતંત્ર બનવા માટે કામ કરી રહ્યું છે. 21મી સદીને ‘ટેકનોલોજી ડ્રાઇવ સદી’ તરીકે વર્ણવતા, વડા પ્રધાને કહ્યું કે, ભારતમાં બનેલી સેમીકંડક્ટર ચિપ્સ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવશે. વૈશ્વિક બજારોમાં ભારતની ક્ષમતા સાબિત કરવા માટે ‘આપણા પોતાના ખાતર’ અને ફાઇટર એરક્રાફ્ટ માટે સ્વદેશી એન્જિન વિકસાવવાનું પણ આહ્વાન કર્યું છે.
પરમાણુ ક્ષમતા 10 ગણી વધારવી પડશે
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે જાણીએ છીએ કે આપણી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે ઘણા દેશો પર નિર્ભર છીએ, પરંતુ સાચા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે, આપણે ઉર્જા સ્વતંત્રતા પ્રાપ્ત કરવી પડશે. છેલ્લા 11 વર્ષમાં આપણી સોલાર એનર્જી ક્ષમતા 30 ગણી વધી છે. હાલમાં દસ નવા પરમાણુ રિએક્ટર કાર્યરત છે. ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરે ત્યાં સુધીમાં, અમારું લક્ષ્ય આપણી પરમાણુ ઉર્જા ક્ષમતાને દસ ગણી વધારવાનું છે.