– બંને મેળાનો આજે અંતિમ દિવસ
– સાતમ-આઠમ-નોમમાં લોકોએ મનમુકીને વરસાદી વાતાવરણ વચ્ચે મેળાની મજા માણી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા આયોજીત સુરેન્દ્રનગર તેમજ વઢવાણ જન્માષ્ટમીના લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને લોકોએ મન મુકીને બન્ને મેળાની મોજ માણી હતી. તેમજ રાત્રી દરમ્યાન યોજાયેલ લોક ડાયરો, મ્યુઝીકલ નાઈટ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા શહેરની આર્ટસ કોલેેજના ગ્રાઉન્ડમાં સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે યોજાતા જન્માષ્ટમી લોકમેળાનું સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે તેમજ વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે પણ પાચ દિવસ સુધી લોકમેળો યોજાઈ રહ્યો છે. ત્યારે આ બન્ને લોકમેળાનું ગત તા.૧૪ ઓગષ્ટના રોજ રાજકીય મહાનુભાવો સહિતનાઓના હસ્તે પ્રજાજનો માટે ઉદ્દઘાટન કરી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. સાતમ, આઠમ અને નોમના ત્રણ દિવસ દરમ્યાન બન્ને લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી તેમજ રાજ્યના ખ્યાતનામ કલાકારોના લોકડાયરામાં પણ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. વિવિધ તેમજ અવનવી રાઈડ્સો બન્ને મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે ખાણી-પીણીના અને રમકડાના સ્ટોલોમા પણ લોકોએ તેમજ મહિલાઓએ મન મુકીને ખરીદી કરી હતી. સીક્યોરીટી ગાર્ડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા,સેલ્ફી પોઈન્ટ, પાર્કિંગ સહિતની સુવિધાઓ સાથે સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામો તેમજ જીલ્લાભરના લોકોએ મેળાની મોજ માણી હતી તેમજ જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદી ઝાપટાં સહિત ધોધમાર વરસાદ ખાબકતા મેળારસીકોની મજા બગડી હતી પરંતુ, વરસાદી વાતાવરણ વચ્ચે પણ ઝાલાવાડ વાસીઓએ મળાની મોજ માણી હતી. જ્યારે બીજી બાજુ રાઈડ્સના ભાવો અંદાજે રૂા.૧૦૦થી ૧૫૦ સુધી પહોંચતા ક્યાંકને ક્યાંક મેળા રસીકોમાં વધુ ઉંચા ભાવને લઈ તંત્ર સામે નારાજગી પણ જોવા મળી હતી. આજે સુરેન્દ્રનગર સહિત વઢવાણ ખાતે યોજાઈ રહેલ જન્માષ્ટમીના લોકમેળાનો અંતિમ દિવસ છે પરંતુ મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા સંભવત રીતે બન્ને લોકમેળાને એ કે બે દિવસ લંબાવવામાં આવે તેવું પણ અનુમાન સેવાઈ રહ્યું છે.