– આણંદ પાસેના સામરખામાં પારકી જમીન ઉપર
– આણંદના અલ્તાફ વ્હોરા અને તારાપુરના મુનાફ વ્હોરાની છેતરપિંડી મામલે અટકાયત
આણંદ : આણંદ પાસેના સામરખા ખાતે પારકી જમીન ઉપર ગેરકાયદે પ્લોટિંગ કરી વેચાણ આપનારા બિલ્ડર સહિતના બે શખ્સોની આણંદ એલસીબી પોલીસે ધરપકડ કરી છે.
આણંદ પાસેના સામરખા નજીક સાંભોળપુરા ખાતે થોડા વર્ષો અગાઉ રહેણાંક મકાનોની સ્કીમ બિલ્ડર દ્વારા મૂકવામાં આવી હતી. આણંદના તોસીફભાઈ વ્હોરાએ આ અંગે તપાસ કરતા મુનાફ ઇદ્રીશભાઈ વ્હોરા રહે. તારાપુર અને અલ્તાફ યુસુફભાઈ વોહરા રહે. આણંદનો સંપર્ક થયો હતો.
મુનાફ વ્હોરા તથા તેમના ભાગીદારો અલતાફ વ્હોરા અને સાહિનબેન ઇલ્યાસભાઈ વ્હોરાએ સરકારી રેકોર્ડ અને નકશાઓ સાથે ચેડા કરી મૂળ દસ્તાવેજમાં જમીનની હદમાં ફેરફાર કર્યો હતો.
આકાર અને સ્થાન બદલી બીજાની માલિકીની જમીનમાં પોતાનો ભાગ દર્શાવી પારકી જમીન ઉપર પ્લોટિંગ કરી આસિફભાઈને વેચાણ આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. આ મામલે તપાસ કરતી આણંદ એલસીબી પોલીસે મુનાફ ઈદરીશભાઈ વ્હોરા અને અલ્તાફ યુસુફભાઈ વ્હોરાની ધરપકડ કરી હતી.
બિલ્ડર સહિતના ભાગીદારો દ્વારા અન્ય કેટલાક લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા જોવાઈ રહી છે. ત્યારે અન્ય કોઈ શખ્સો સાથે આ બિલ્ડર ગુ્રપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તો આ અંગે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.