– બોટાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા
– સરકારના ધારાધોરણ મુજબ લઘુતમ વેતન આપવા, સ્લીપ આપવા, હાજરી કાર્ડ આપવા રજૂઆત
બોટાદ : બોટાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા બોટાદના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને બે મહિનાનો ચડત પગાર ચૂકવાયો નથી. તેવી રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ, સુરેન્દ્રનગરના પ્રમુખ દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટર, અમદાવાદ ઝોનના નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક નિયામક, બોટાદ નગરપાલિકાના પ્રમુખ, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, બોટાદના મદદનીશ શ્રમ આયુક્તને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, બોટાદ નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવામાં આવતો નથી. પ્રથમ દ્રષ્ટિએ સફાઈ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવાની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. તેમજ જો કોન્ટ્રાક્ટર પગાર ચૂકવવામાં નિષ્ફળ જાય તો મુખ્ય માલિક પગાર ચૂકવવા જવાબદાર છે. તેથી નગરપાલિકાએ પગાર કરવો ફરજિયાત થાય છે. છતાં બોટાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી અને ફેબુ્રઆરી એમ બે માસનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો નથી.
કોન્ટ્રાક્ટ બેઈઝના સફાઈ કામદારોને સરકારના ધારાધોરણ મુજબ લઘુતમ વેતન મળે તેવી વ્યવસ્થા કરવા, પગાર સ્લીપ અપાવવા, હાજરી કાર્ડ અપાવવા રજૂઆતમાં માંગ કરાઈ હતી.