Jamnagar : જામનગરમાં જોડિયા ભૂંગા વિસ્તારમાં ચાલીને જઈ રહેલી એક દસ વર્ષની માસૂમ બાળકી પર રસ્તે રઝળતા બે શ્વાનોએ હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. પોતાના ઘર પાસેથી નીકળીને બાળકી આંગણવાડી પાસેથી પસાર થઈ રહી હતી, દરમિયાન બન્ને શ્વાન ધસી આવ્યા હતા, અને બાળકીને બચકા ભરવાનું શરૂ કર્યું હતું, જેથી તેણીએ ભારે ચીસા ચીસ કરી મૂકી હતી. બાળકીનો અવાજ સાંભળી લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા. બે દિવસ પહેલા બનેલી સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
બે મહિલાએ બાળકીને છોડાવી
બાળકીની બૂમો સાંભળી આસપાસના વિસ્તારમાં રહેતી બે મહિલાઓ દોડી આવી હતી, અને બાળકીને શ્વાનના કબજામાંથી છોડાવી લીધી હતી, અને શ્વાનને ભગાડી મૂક્યા હતા, જેથી બાળકીનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી. જો કે હાલ બાળકી ભયમુક્ત છે. ઉપરોક્ત વિસ્તારમાં આંગણવાડી આવેલી હોવાથી તે આંગણવાડીના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાથી તેનો વિડીયો ગઈકાલથી વાઈરલ થયો છે.