Jamnagar : જામનગર શહેર સહિત જીલ્લાભરમાં આજે સોમવારના રોજ ઇદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના 29 રોઝા પૂર્ણ કર્યા બાદ, આજે ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઈદગાહ ખાતે ખલીફા-એ-હુઝુર કાજી-એ-શહેર હઝરત અલ્લામા મૌલાના સુલેમાન બરકાતી સાહેબ દ્વારા ઇદની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકઠા થયા હતા. નમાઝ અદા કર્યા બાદ લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી.
‘ઈદ-ઉલ-ફીત્ર’ ની નમાજ અદા થયા બાદ ઇદગાહ ખાતે જામનગર શહેર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા), જામનગર મહાનગર પાલિકાના વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, વોર્ડ નં.15 ના નગરસેવક આનંદભાઇ રાઠોડ, વકીલ આનંદભાઇ ગોહિલ, વોર્ડ નં.12 ના નગરસેવક અલ્તાફ ખફી, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રશીદભાઇ લુશવાળા,સેક્રેટરી ગુલામ દસ્તગીર શેખ, બુલંદી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અસલમભાઇ સોરા, મોહસીનભાઇ ખફી સહિત મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની મુબારકી પાઠવી હતી. તેમજ અલ્લામા મૌલાના સુલેમાન બરકાતી સાહેબ દ્વારા સલાતો સલામ પઢી ભારત દેશની પ્રગતિ, સમૃધ્ધિ, અમન અને શાંતિ માટે દુવા કરવામાં આવી હતી.
જામનગરની જીલ્લા જેલમાં મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા ‘ઈદ-ઉલ-ફીત્ર’ ની ઉજવણી કરાઈ
જામનગરની જીલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એમ.આર.ઝાલાની અધ્યક્ષતામાં અને જીલ્લા જેલના જેલર બી.વી.રાયજાદાના સુપરવિઝન હેઠળ જેલકર્મીઓ દ્વારા જેલમાં ઈદની ઉજવણી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઈદ પવિત્ર માસ દરમ્યાન બંદગી કરવા જામનગર જીલ્લા જેલમાં હિન્દુ-મુસ્લીમ કેદીઓએ પૂરા 29 રોઝા રાખી કોમી એકતાનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડયું છે. તેમજ 104 જેટલા મુસ્લિમ બંદીવાન ભાઇઓ દ્વારા ‘ઈદ-ઉલ-ફીત્ર’ ની નમાઝ અદા કરવામાં આવી હતી. પવિત્ર રમઝાન માસની રમઝાન ઇદનો પર્વ હોય જીલ્લા જેલના બંદીવાનોને મોલવી મનાનબાપુ દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી.