– ધરોઈ ડેમમાં પાણી છોડવામાં ક્રમશઃ વધારાની શક્યતા
– તારાપુર તાલુકાના 11 અને ખંભાતના બે ગામને જિલ્લા વહીવટી તંત્રની સાવધ રહેવા સૂચના
આણંદ : સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીની નીચાણવાસમાં ૧,૦૭,૨૪૮ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવા સાથે ક્રમશ વધારો થઈ શકે છે. સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી હેઠવાસમાં હાલમાં ૨૭,૨૮૨ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. ત્યારે તારાપુરના ૧૧ અને ખંભાતના બે ગામને એલર્ટ કરાયા છે.
સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૩૦,૮૩૬ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડી ક્રમશ વધારો કરવામાં આવશે. આ અંગે નીચાણવાળા ગામોને સાવધ રહેવા પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલકી ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.
તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાસણા બેરેજની જળાશયની હાલની સપાટી ૧૨૭.૫૦ ફૂટ અને ૩૮.૮૬ મીટર છે. વાસણા બેરેજમાંથી કુલ ૨૫ ગેટ ખોલવામાં આવ્યા છે. ગેટ નં. પાંચથી ૨૪ સુધી ૬ ફૂટ અને ગેટ નં. ૨૫થી ૨૮ ફ્રીફ્લો ૬ ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ૩૦૮૩૬ ક્યુસેક અને ૮૭૩.૧૭ ક્યુમેક હોવાનું જણાવાયું છે.