![]()
પીએમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા ધોળકા ડેપોની ૧૭ બસ ફાળવાઇ
ધોળકા ડેપો ઉપરાંત અમદાવાદ અને ચંડોળા ડેપોમાંથી ૫૦ બસ ધોળકા ભીડ ભેગી
કરવા મોકલવામાં આવી
બગોદરા – અમદવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા ધોળકા એસટી ડેપો દ્વારા ૧૭ બસ ફાળવાતા ૬
લોકલ રૃટ કેન્સલ કરાયા હતા. જેના કારણે મુસાફરો, વિદ્યાર્થીઓને
હાલાકી વેઠવી પડી છે. ધોળકા ડેપો ઉપરાંત
અમદાવાદ અને ચંડોળા ડેપોમાંથી ૫૦ બસ ધોળકા ભીડ ભેગી કરવા મોકલવામાં આવી હતી.
સોમવારે સાંજે ૫ વાગે અમદાવાદ ખાતે નિકોલ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ મોદીની
જાહેરસભાનાં કાર્યક્રમ માટે એસટી તંત્ર દ્વારા વિવિધ ડેપોમાંથી બસો ફાળવવામાં આવી હતી.
ધોળકા એસટી ડેપો મેનેજર બાલકૃષ્ણ દેસાઈએ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ
માટે ધોળકા ડેપોમાંથી ૧૭ બસો ફાળવવામાં આવી છે. જેમાંથી ૧૦ બસો ધોળકા નગરપાલિકા ખાતે
રવાના કરાઈ છે અને ૭ બસો અમદાવાદ મોકલવામાં આવી છે. જ્યારે અમદાવાદ ડેપોમાંથી ૨૫ અને ચંડોળા ડેપોમાંથી
૨૫ મલી કુલ ૫૦ બસો ધોળકા મોકલવામાં છે. આમ ધોળકા ખાતે કુલ ૬૦ બસો આ કાર્યક્રમ માટે
ફાળવવામાં આવી છે.
મુસાફરો એ જણાવ્યું હતું કે બસો ફાળવી દેવાતા ધોળકા એસટી ડેપો ખાતેનું
રોજિંદુ સમય પત્રક ખોરવાઈ ગયું હતું. ધોળકા ડેપો દ્વારા સવારના ૭. ૦૦ વાગ્યાની
વારણાં-અમદાવાદ, ૭.૩૦ વાગ્યાની
સરગવાડા – અમદાવાદ, ૭.૨૦ વાગ્યાની ધોળકા – અમદાવાદ,
૯. ૦૦ વાગ્યાની ધોળકા – ગાંધીનગર, ૮.૦૦
વાગ્યાની ધોળકા થી વાયા કેલિયા વાસણા અમદાવાદ અને ૮.૩૦ વાગ્યાની હેબતપુર – અમદાવાદ
સહિતના ગામડાનાં રૃટોની બસો બંધ રાખવામાં
આવતા રોજિંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે ધોળકાથી દર
અડધા કલાકે અમદાવાદની બસ ઉપાડવામાં આવી રહી હતી.










