Amreli Maldhari Protest: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં આજે માલધારી સમાજે ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગામના માલધારીઓ મોટી સંખ્યામાં પોતાના પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી.
સીમરણ ગામમાં લગભગ 30 થી 40 જેટલા માલધારી પરિવારો વસવાટ કરે છે, જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આ પરિવારોની આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી અને તેઓ સંપૂર્ણપણે પોતાના પશુઓ પર નિર્ભર છે. જોકે, ગામની આશરે 1800 વીઘા ગૌચર જમીનમાંથી માત્ર 500 થી 600 વીઘા જ જમીન ખુલ્લી છે. બાકીની જમીન પર કેટલાક સ્થાનિક લોકોએ ગેરકાયદેસર કબજાઓ કરી લીધા છે. આ ઉપરાંત, ખુલ્લી ગૌચર જમીનમાં પણ ગાંડા બાવળનું સામ્રાજ્ય હોવાથી પશુઓને ચરાવવું મુશ્કેલ બન્યું છે.
આ પરિસ્થિતિને કારણે પશુઓને પૂરતો ચારો મળી રહેતો નથી, જેના કારણે માલધારી પરિવારોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને પોતાના પશુઓને ચરાવવા માટે એક ગામથી બીજા ગામ લઈ જવાની ફરજ પડી રહી છે. માલધારી સમાજે અગાઉ પણ અનેકવાર આ મુદ્દે રજૂઆતો કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
આજે ફરી એકવાર માલધારી સમાજે પોતાના પશુઓ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમનો આ વિરોધ માત્ર તેમની જ નહીં, પરંતુ મૂંગા પશુધનની પરિસ્થિતિ માટે પણ હતો. આ વિરોધમાં ગામના સરપંચ પણ માલધારી સમાજની સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે પંચાયત પણ માલધારી સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર છે અને જરૂરી કાર્યવાહી કરશે.
માલધારી સમાજની સ્પષ્ટ માંગ છે કે સીમરણ ગામની ગૌચર અને સરકારી ખરાબાની જમીનને તાત્કાલિક કબજા મુક્ત કરવામાં આવે અને પશુપાલકોને ન્યાય મળે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દો હવે સ્થાનિક તંત્ર માટે એક ગંભીર પડકાર બન્યો છે, અને તેના તાત્કાલિક નિવારણની જરૂરિયાત ઊભી થઈ છે.