અમદાવાદ : દેશભરમાં ગણેશોત્સવની પૂરજોશમાં શરૂઆત થઈ છે. ગણેશોત્સવ બજારમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સર્વે મુજબ, આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન ૨૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપાર થવાનો અંદાજ છે. આ વર્ષે વેપારીઓએ વિદેશી ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપી છે. અને ગ્રાહકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ગણેશ ચતુર્થી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ગોવા જેવા રાજ્યોમાં મોટી આર્થિક પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આ વર્ષે, એવો અંદાજ છે કે દેશભરમાં ૨૦ લાખથી વધુ ગણેશ પંડાલો સ્થાપિત થયા છે. જો દરેક પંડાલનો ન્યૂનતમ ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા (જેમાં સેટઅપ, શણગાર, ધ્વનિ, મૂર્તિ, ફૂલો વગેરેનો સમાવેશ થાય છે) ગણીએ તો ફક્ત પંડાલો પર ખર્ચ થતો કુલ ખર્ચ ૧૦,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે.
કાચા માલના વધતા ભાવોને કારણે, ગણેશ મૂર્તિઓનો વેપાર ૬૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. પૂજા સામગ્રી, ખાસ કરીને ફૂલો, માળા, નારિયેળ, ફળો, ધૂપ વગેરેનો ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થાય છે. ગણપતિ બાપ્પાને પ્રિય મોદક લાડુ અને અન્ય મીઠાઈઓનો ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થાય છે. કેટરિંગનું ટર્નઓવર લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયા છે. પર્યટન અને પરિવહન ક્ષેત્રે (બસ, ટેક્સી, ટ્રેન, હોટલ વગેરે) રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનો વેપાર થાય છે. તહેવાર સંબંધિત વસ્તુઓ (કપડાં, સજાવટ, ભેટ વગેરે)ના રિટેલ વેચાણથી રૂ. ૩,૦૦૦ કરોડ સુધીનો વેપાર થવાનો અંદાજ છે.
ગણપતિ પંડાલો હવે આધુનિક બન્યા છે, જેના માટે ઇવેન્ટ મેનેજમેન્ટ (લોજિસ્ટિક્સ, સુરક્ષા, વ્યવસ્થાપન વગેરે) સેવાઓ લેવામાં આવે છે, જેનાથી લગભગ રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનો વેપાર થાય છે. ગણેશોત્સવ દરમિયાન ઘરેણાંનો વ્યવસાય લગભગ રૂ. ૧૦૦૦ કરોડનો થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ગણેશ મંડળોએ વીમો લેવાનું શરૂ કર્યું છે. ઘણા પંડાલોમાં, ગણપતિની મૂર્તિઓ પર લાખો રૂપિયાના આભૂષણો પણ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, અનિચ્છનીય ઘટનાના ભયથી, ગણપતિ મંડળો તેમના પંડાલોનો વીમો પણ કરાવે છે, જેનાથી વીમા કંપનીઓને ઘણો ધંધો થાય છે. આ વર્ષે આ ક્ષેત્રમાં રૂ.૧૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ થવાની ધારણા છે.