વડોદરા,વડોદરામાં અલગ – અલગ સ્થળે સ્કીમો શરૃ કરી બુકીંગના બહાને લોકો પાસેથી લાખો રૃપિયા પડાવી લઇ વિદેશ ભાગી જનાર ભેજાબાજ અપૂર્વ પટેલ સામે ૪૬ ગુનાઓ નોંધાયા છે. આ કેસમાં માંજલપુર પોલીસે બિલ્ડર અપૂર્વ પટેલના ભાગીદારની ધરપકડ કરી છે.
માંજલપુર, અટલાદરા, અક્ષર ચોક, વડસર વિસ્તારમાં મેપલ સિગ્નેચર, મેપલ વિસ્ટા, મેપલ પેરેડાઇઝ, મેપલ વિલા, મેપલ એવન્યુ, મેપલ મિડોઝ નામની સ્કીમનું આયોજન બિલ્ડર અપૂર્વ પટેલની કંપની શ્રી સિદ્ધિ વિનાયક ડેવલપર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં ફ્લેટ બુક કરાવનાર ગ્રાહકો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવીને ફ્લેટનો કબજો આપવામાં આવ્યો નહતો. બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૪૫ ગુનાઓ દાખલ થયા હતા. ત્યારબાદ અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો હતો. બે દિવસ પહેલા જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ પાણીગેટ ભદ્ર કચેરી સામે ખત્રી પોળમાં રહેતા સંજયકુમાર રમેશચંદ્ર શાહે ૫૧ કરોડની છેતરપિંડીની નોંધાવી હતી. જેમાં સામેલ અપૂર્વ પટેલના પાંચ ટકાના ભાગીદાર મનોજ જયંતકુમાર સોલંકી (રહે. સ્વર્ગ એવન્યૂ, પંચમુખી મહાદેવની પોળ, અમદાવાદીપોળની સામે) ની માંજલપુર પી.આઇ. એલ.ડી. ગમરાએ ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ, રિમાન્ડ મળ્યા નહતા. પેઢીના એકાઉન્ટમાં આવતા રૃપિયા અપૂર્વ પટેલની પત્નીના એકાઉન્ટમાં જમા થતા હતા. અપૂર્વ પટેલ સામે નોંધાયેલા ફરિયાદોમાં પોલીસે ધરપકડ વોરંટ મેળવ્યું છે. પરંતુ, હજી મિલકત જપ્તીની કાર્યવાહી થઇ નથી.