તાંદલજા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા મુદ્દે અનેક રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા રહીશોએ વોર્ડ નં. 10ની કચેરીને તાળાબંધી કરી આક્રોશ દર્શાવ્યો હતો.
તાંદલજામાં આવેલ સામિયા ફલેટસ, મુસા પાર્ક, ઝેનબ રેસીડેન્સી, મોર્ડન વિદ્યાલય સહિતના વિસ્તારોના રહીશોએ પીવાનું પાણી દૂષિત મળવું, વારંવાર ડ્રેનેજ ઉભરાવવી અને વરસાદી પાણીનો ભરાવો રહેતા વોર્ડ નં 10ની કચેરીને તાળા મારી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, છેલ્લા 20 દિવસથી વિસ્તારમાં ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે. લોકોને અવરજવરમાં તકલીફ થઈ રહી છે. વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ વચ્ચે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. પીવાનું પાણી પણ દુર્ગંધ યુક્ત પીળાશ પડતું મળી રહ્યું છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કાયમી ધોરણે નિરાકરણ ન આવતા 500થી વધુ પરિવારો હાલાકી વેઠી રહ્યા છે. અધિકારીએ બે દિવસમાં સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવશે તેવી ખાતરી આપતા રહીશોને હાશકારો થયો હતો