– ‘મેટર પતાવવી હોય તો 10 લાખ આપ નહીંતર તારા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરીશું’
– ગ્રાહક તરીકે આવેલી મહિલાએ નંબર મેળવી વેપારીને હોટલમાં મળવા બોલાવી શરીર સંબંધ બાંધ્યા બાદ રૂ. 10 હજાર પડાવ્યા
ભાવનગર : શહેરના અથાણાંના વેપારીના પરિચયમાં આવેલી યુવતીએ વેપારીને હોટલમાં મળવા બોલાવી શરીર સંબંધ બાંધી વેપારીને હનિટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ હજાર પડાવ્યા ઉપરાંત અન્ય બે શખ્સો સાથે મળી મેટર પતાવવાના વેપારી પાસેથી ૧૦ લાખની માંગણી કરી અને રકઝકના અંતે છેલ્લે રૂ.પાંચ લાખની માંગણી કરતા હોય જે અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી મહિલા તથા અન્ય એક શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં અથાણાંના એક વેપારીની દુકાને સાતેક દિવસ પૂર્વે અંકિતા પટેલ નામની એક મહિલા અથાણું ખરીદવા આવી હતી અને વધારે અથાણું જોઈતું હોય તો ફોન કરીને અથાણું લેવા આવી શકું તે માટે વેપારીનો નંબર મેળવી પરિચય કેળવી વેપારી સાથે ફોનમાં વાતચીત શરૂ કરી હતી. જે બાદ ગત તા.૨૮ માર્ચના રોજ સવારે ૧૦.૩૦ કલાકના અરસામાં અંકિતા પટેલે ફોન કરી વેપારીને હોટલમાં મળવા કહ્યું પરંતુ તે દુકાન છોડીને નહી નિકળી શકે તેમ કહેતા મહિલાએ વારંવાર ફોન કરતા અંતે વેપારી બપોરે ૨.૪૫ કલાકના અરસામાં હોટલમાં મળવા ગયો જ્યાં બન્નેએ સહમતિથી શરીર સંબંધ બાંધી અને બાદમાં મહિલાએ તરત રૂપિયાની માંગણી કરી અને રૂપિયા નહી આપે તો દુષ્કર્મની ફરિયાદ કરીશ તેમ કહેતા વેપારીએ મહિલાને પોતાની પાસે રહેલા રોકડા રૂ.૧૦ હજાર આપી દીધાં હતા અને બાદમાં વેપારી મહિલાને પાણીની ટાંકીએ મુકવા જતા કાળુભા રોડથી સત્યનારાયણ ભગવાન રોડ તરફના રસ્તે ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સો ઉભેલા હતા. જેમાં ભાર્ગવ પોતે અંકિતાનો પતિ હોવાનો પરિચય આપી તથા શક્તિસિંહ નામના અન્ય શખ્સે લાફો મારી ‘મેટર પતાવવી હોય તો દસ લાખ આપ નહીતર તારા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરીશું’ તેવી ધમકી આપી હતી અને રકઝકના અંતે રૂ.પાંચ લાખ આપવાનું નક્કી થયું હતું અને રૂપિયા આપવાનો સમય માંગતા અત્યારે જ રૂપિયા આપ તેમ કહી વેપારીને દુકાને લઈ ગયા હતા અને તે દરમિયાન વેપારી આ લોકોની નજર ચુકવી પરિવારના સભ્યો સાથે વાત કરી અંકિતા પટેલ, ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અંકિતા પટેલ અને ભાર્ગવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.