– મહુવા પોલીસ મથકના એએસઆઈ હજુ ફરાર
– બેંકની નોટિસમાં વોરંટ નીકળ્યું છે અને હપ્તા નહીં ભરો તો અટક થશે તેવો ડર બતાવી લાંચ માંગી હતી
ભાવનગર : મહુવામાં બેંકમાંથી લીધેલી લોનની નોટિસ ફરિયાદી અને પોલીસને મળ્યા બાદ મહુવા પોલીસ મથકના એએસઆઈએ ફરિયાદીને અટક કરવાની બીક બતાવી લાંચની માંગણી કરી હતી. આ પ્રકરણમાં એસીબીએ હોમગાર્ડ સહિત ત્રણ શખ્સને રંગે હાથે ઝડપી લીધા હતા. જ્યારે મહુવા પોલીસ મથકના એએસઆઈ પીએસઓની ફરજ છોડી નાસી છૂટયો હતો. પકડાયેલા ત્રણેય શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલ હવાલે કર્યાં છે.
આ સમગ્ર બનાવની જાણવા મળતી માહિતી મુજબ ફરીયાદીએ એચડીએફસી બેંકમાંથી મોરગેજ લોન લીધી હતી. તે લોનનાં હપ્તા નહી ભરી શકતા બેંકમાંથી ફરીયાદી અને તેના પિતા તથા કાકા ત્રણેય વિરૂધ્ધ નોટીસ આવી હતી. તેમજ નોટીસની એક નકલ મહુવા પોલીસ સ્ટેશને પણ મોકલાવાવમાં આવી હતી. મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક રામભાઇ ડેરએ ફરીયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટીસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને અટક કરવા પડશે તેવી બીક બતાવેલ હતી અને પોતાના વચેટીયા આરીફ નિસારભાઇ જમાણી મારફતે વચલો રસ્તો કાઢી રૂ.૨૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ લાંચન નાંણા સ્વીકારતા યોગેશ વલ્લભભાઇ ગાંધી, આરીફ નિસારભાઇ જમાણી અને હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસીંહ રાઠોડ એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા.એસીબી દ્વારા પકડાયેલા ત્રણેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે મહુવા પોલીસ મથકના એએસઆઈ હજુ પણ ફરાર છે.