Rahul Gandhi accuses PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના ભવ્ય આયોજન મુદ્દે આજે સંસદમાં ભાષણ આપ્યું હતું. તેમણે મહાકુંભની સફળતા પર ખુશી વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે, ગંગાને ધરતી પર લાવવા માટે એક ભગીરથ પ્રયાસ થયો હતો, તેવું જ મહાકુંભના મહાપ્રયાસમાં પણ જોવા મળ્યું.’ બીજીતરફ વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થતાં જ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાન સંસદમાં ભાષણ આપવાના હતા, તેની અમને સમયસર માહિતી અપાઈ નથી.’
વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા : રાહુલ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં આક્ષેપ કર્યો કે, ‘સમગ્ર મુદ્દે વિપક્ષને બોલવા દેવાયા નથી. વડાપ્રધાને બેરોજગારી મુદ્દે બોલવું જોઈતું હતું, પરંતુ તેઓ કંઈપણ ન બોલ્યા. વડાપ્રધાન મોદીએ કુંભમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પવી જોઈતી હતી, પરંતુ તેમણે આવું ન કર્યું. કુંભ આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, જોકે અમારી ફરિયાદ છે કે, વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ પણ ન અર્પી. કુંભમાં જનારા યુવાઓને વડાપ્રધાન પાસેથી રોજગારી જોઈએ. વડાપ્રધાને રોજગાર વિશે બોલવું જોઈતું હતું.’
કુંભ દેશની સામૂહિક ચેતનાનું પ્રતિક : મોદી
વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતા તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોવાનો દાવો પણ પીએમ મોદીએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘સમગ્ર વિશ્વએ મહાકુંભમાં ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યાં. આ પ્રજા, અને પ્રજાના સંકલ્પો તથા પ્રજાની શ્રદ્ધાથી પ્રેરિત મહાકુંભ હતો. જેમાં આપણી રાષ્ટ્રીય ચેતનાના વિરાટ દર્શન થયા છે. જે નવા સંકલ્પોની સિદ્ધિ માટે પ્રેરિત હતી. પ્રયાગરાજ મહાકુંભમાં લગભગ દોઢ મહિના સુધી અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઉમંગનો અનુભવ થયો. કરોડો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવથી જોડાયા હતા. જે અમારી સૌથી મોટી તાકાત છે.’
આ પણ વાંચો : મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
PMના સંબોધન બાદ લોકસભામાં હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્ય બાદ લોકસભામાં વિપક્ષે હોબાળો શરુ કર્યો હતો. જો કે, આ હોબાળા વચ્ચે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી હતી. PM મોદીના સંબોધન પહેલાં રાજ્યસભામાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગાનો મુદ્દો ઉઠાવતા લઘુતમ વેતન વધારવાની માગ કરી હતી.
આ પણ વાંચો : PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદનો સંસદમાં બફાટ, વિપક્ષ ભડક્યું