Nestle CEO Dismissed: સ્વિસ દિગ્ગજ કંપની નેસ્લેમાં ટોચના સ્તરે અચાનક મોટી ઉથલપાથલ જોવા મળી છે. કંપનીએ એક વર્ષ પહેલાં જ નેસ્લેની બાગડોર સંભાળનારા સીઈઓ લોરેન્ટ ફ્રીક્સને અચાનક પદ પરથી બરતરફ કર્યા છે. અહેવાલ મુજબ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તેમને હટાવવાનો નિર્ણય જૂનિયર કર્મચારી સાથે અનૈતિક સંબંધ રાખવા બદલ લેવામાં આવ્યો છે. કંપનીએ આ મામલે તપાસ હાથ ધર્યા બાદ અંતે નિર્ણય લીધો હતો.
કર્મચારી સાથે અનૈતિક સંબંધ રાખવા પડ્યા ભારે
મીડિયા રિપોર્ટ અનુસાર, સીઈઓને દૂર કરવાનો નિર્ણય જાહેર કરતાં નેસ્લેએ નિવેદન આપ્યું હતું કે, લોરેન્ટ ફ્રિક્સના કંપનીની જ જૂનિયર કર્મચારી સાથે અનૈતિક સંબંધોની જાણ થતાં તેમને પદ પરથી બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંપનીના નિયમો મુજબ કોડ ઓફ બિઝનેસ કંડક્ટ છે. તેમણે ગતવર્ષે 2024માં જ પૂર્વ સીઈઓ માર્ક શ્રાઈડરને બરતરફ કર્યા બાદ સીઈઓ પદની જવાબદારી સંભાળી હતી.
ચેરમેને કહ્યું- ‘આ એક જરૂરી નિર્ણય’
કંપનીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે નેસ્લેના કર્મચારીઓએ કંપનીની આંતરિક હોટલાઇન પર લોરેન્ટ ફ્રિક્સના અનૈતિક સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, જ્યારે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે તે પાયાવિહોણો આરોપ બન્યો હતો. કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સીઈઓ ફ્રિક્સે પણ બોર્ડ સમક્ષ આવા કોઈપણ સંબંધનો ઇનકાર કર્યો હતો. પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે મામલો ગંભીર બન્યો અને તેમણે પોતાનું સીઈઓ પદ ગુમાવવું પડ્યું. સ્વિસ ફૂડ કંપનીના ચેરમેન પોલ બલ્કે આ બાબતે જણાવ્યું હતું કે, આ એક જરૂરી નિર્ણય હતો, કારણ કે કંપનીના મૂલ્યો અને વહીવટ અમારો મજબૂત પાયો છે. જેના ઉલ્લંઘન બદલ સજા આવશ્યક છે.
આ પણ વાંચોઃ બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે
કોઈ એક્ઝિટ પેકેજ મળશે નહીં
કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને કોઈપણ પ્રકારનું એક્ઝિટ પેકેજ આપવામાં આવશે નહીં. આ સાથે કંપનીએ ઉતાવળમાં નવા સીઈઓની નિમણૂક પણ કરી છે. તેમના સ્થાને, નેસ્પ્રેસોના વડા ફિલિપ નવરાતિલને સીઈઓ બનાવવામાં આવ્યા છે, જે અગાઉ કંપનીના નેસ્પ્રેસો બ્રાન્ડના વડાની ભૂમિકા ભજવી રહ્યા હતા.
CEO વિરુદ્ધ કાર્યવાહીથી શેર કડડભૂસ
મેગી, નેસ્કાફે કોફી અને કિટકેટ ચોકલેટ સહિત ફૂડ પ્રોડક્ટ બનાવતી આ કંપનીના CEO વિરુદ્ધ કાર્યવાહીની અસર નેસ્લેના શેર પર પણ જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન તેમાં 2%થી વધુનો ઘટાડો થયો હતો. શેરનો ભાવ ઘટી 72.78 સ્વિસ ફ્રેંક થઈ ગયો હતો. લોરેન્ટના કાર્યકાળ દરમિયાન, કંપનીના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આ સમયગાળા દરમિયાન તેમાં 17%નો ઘટાડો થયો હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીના વેચાણમાં પણ 0.4%નો ઘટાડો થયો હતો.