– એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી
– કલેકટરે તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી પોતાનું સેન્ટર નહીં છોડવા તાકીદ કરી : તંત્ર-પ્રજાને સતર્ક રહેવા કલેક્ટરની તાકીદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં બે દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે સુરેન્દ્રનગર શહેરમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી જયારે મોટા ભાગના તાલુકાઓમાં ખાસ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. બે દીવસથી વરસી રહેલો વરસાદ ખેતી માટે સોના સમાન સાબિત થશે. આજે સવારે છ વાગ્યેથી સાંજના છ વાગ્યા સુધીમાં દસાડામાં ૧.૦૬ ઇંચ, લખતરમાં ૦.૩૧ ઈંચ, ધ્રાંગધ્રામાં ૦.૨૮, ચોટીલામાં ૦.૨૪ ઈંચ, લીંબડીમાં ૦.૧૨, વઢવાણમાં ૦.૦૮ ઈંચ વરસાદ વરસ્યો હતો. આવતીકાલે રવિવારે સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ હોઈ સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવા તાકિદ કરી છે. જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્ર્મચારીઓને હેડ કર્વાટર ખાતે ફરજ પર હાજર રાખવા આદેશ કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર શહેરમાં સવારથી વરસાદી આવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ સાંજના સાત વાગ્યા બાદ એકાએક આગમન થયું હતું. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેર સહિત ધ્રાંગધ્રા શહેર અને તેની આસપાસના મોટા ભાગના ગામડાઓમાં વરસાદની હાજરી રહી હતી. હજુ આકાશ ગોરંભાયેલું હોવાથી ધોધમાર વરસાદ વરસી શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તેમજ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેને પગલે જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા પણ તમામ તૈયારીઓ સાથે અધિકારીઓની ટીમને સર્તક કરી દીધા છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ એનડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટીઓ સહિતનાઓને પણ તાકીદ કરી પોતાનું સેન્ટર નહીં છોડવા કડક સુચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ અધિકારીઓની આગામી દિવસો માટે પરિસ્થિતિને ધ્યાને લઈ રજાઓ કેન્સલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે જેને પગલે વહિવટી તંત્ર પણ સર્તક બન્યું છે.