India Seeks Role in Malacca Strait Patrols : દેશની સમુદ્રી સુરક્ષાના ભાગરૂપે ભારતે વિશ્વના અતિ વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંની એક એવી ‘મલક્કા સ્ટ્રેટ’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2થી 4 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે થયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલક્કા સ્ટ્રેટની પેટ્રોલિંગ વ્યવસ્થામાં સત્તાવાર ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચાલો જાણીએ કે શું છે મલક્કા સ્ટ્રેટ અને ભારત માટે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ શું છે.
મલક્કા સ્ટ્રેટ ક્યાં આવેલી છે?
‘મલક્કા સ્ટ્રેટ’ એ ઈન્ડોનેશિયા અને મલેશિયા-સિંગાપોર વચ્ચેની સામુદ્રધુની છે, જેની લંબાઈ 900 કિલોમીટર અને પહોળાઈ 65 થી 250 કિલોમીટર જેટલી છે. આંદામાન અને દક્ષિણ ચીની સમુદ્રને જોડતી આ સામુદ્રધુની દુનિયાના સૌથી વ્યસ્ત વ્યાપારી માર્ગો પૈકીની એક છે.
‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’ની જરૂર શા માટે પડી?
‘મલક્કા સ્ટ્રેટ’માં ખૂબ ચાંચિયાગીરી ફાલીફૂલી હતી. વ્યાપારી જહાજોને લૂંટવા ઉપરાંત અહીં હથિયારો અને માનવ તસ્કરી જેવી પ્રવૃત્તિઓ પણ બેકાબૂ બની ગઈ હતી. એને રોકવા માટે વર્ષ 2004માં ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરે મળીને ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’ (MSP) નામની સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી હતી, જેને ખૂબ સફળતા મળી. થાઇલેન્ડ પણ 2008માં તેમાં જોડાયું હતું.
MSPની ત્રિપક્ષીય કામગીરી કેવી છે?
MSP નીચે મુજબના ત્રણ મુખ્ય સ્તરોમાં કાર્યરત છે:
1. Sea Patrol: સંયુક્ત નૌકાદળ પેટ્રોલિંગ.
2. Eyes in the Sky: હવાઈ બાજનજર.
2. Intelligence Exchange Group: ચારેય દેશો વચ્ચે માહિતીની વહેંચણી.
MSP અસરકારક નીવડ્યું
વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં મલક્કા સ્ટ્રેટમાં દર વર્ષે ચાંચિયાગીરીના સેંકડો બનાવો બનતા. MSPના ત્રિપક્ષીય અભિયાનના પરિણામે હવે આવા બનાવો વાર્ષિક દસ કરતાં પણ ઓછા થઈ ગયા છે.
ભારત માટે MSP નું શું મહત્ત્વ છે?
– ભારતના કુલ દરિયાઈ વેપારનો લગભગ 60 ટકા ભાગ અને LNG આયાતનો મોટો હિસ્સો મલક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે. આ માર્ગ ચીનના વહાણો માટે પણ અગત્યનો છે, એટલે તેને વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે.
– ભારતનો આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ મલક્કા સ્ટ્રેટથી માત્ર 600 કિમી દૂર છે. દક્ષિણ ચીની સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં ચીનનો પગપેસારો વધી જતાં ભારત પણ આંદામાન-નિકોબાર વિસ્તારમાં પોતાના નૌકાદળની હાજરી વધારી રહ્યું છે.
બંને પક્ષે ફાયદો મળે એમ છે
– ભારતની નૌકાદળ શક્તિ MSP ના સભ્ય દેશો કરતાં ક્યાંય વધારે છે. આ ઉપરાંત એડનના અખાતમાં ચાંચિયા સામે લડવામાં ભારતીય નૌકાદળને બહોળો અનુભવ છે. તેથી MSP નો હિસ્સો બનીને ભારત પોતાના નૌકાદળની ક્ષમતા તથા ગુપ્તચર માહિતી આપીને MSP ની વર્તમાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરી શકે છે.
– એની સામે ભારતનો ફાયદો એ થાય કે ભારતીય નૌકાદળે અલગથી પેટ્રોલિંગ ન કરવું પડે, MSP ની તાકાતનો ઉપયોગ ભારતના સમુદ્રી વિસ્તારોની સુરક્ષા માટે કરી શકાય.
– ચીનની 80% ખનીજ તેલ આયાત મલક્કા સ્ટ્રેટ મારફતે જ થાય છે. તેથી ચીન પોતાના જહાજોની સુરક્ષા માટે MSP ની કામગીરી પર નજર રાખે છે. જો ભારતને MSPમાં પ્રવેશ મળે તો આ વિસ્તારમાં કટ્ટર સ્પર્ધક ચીન કરતાં ભારતનો હાથ ઉપર થઈ જાય.
ટૂંકમાં, ભારત જો MSP નું સહયોગી બની જાય તો બંને પક્ષે ફાયદો જ ફાયદો છે.
MSP માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
MSP નું મુખ્ય સંકલનકર્તા સિંગાપોર છે. MSP ની સુરક્ષા માટે ડ્રોન અને અત્યાધુનિક AI ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારત આ પ્રકારની ટેકનોલોજી ક્ષેત્રે પણ ઝડપથી અગ્રેસર થઈ રહ્યું હોવાથી MSP ને એનો પણ લાભ મળે એમ છે.
ટેકનોલોજી સહયોગના નવા દ્વાર ખુલશે
મોદી-વોંગની બેઠકમાં MSP ની સુરક્ષા માટે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, AI, ઓટોમેશન અને માનવરહિત જહાજો જેવા ક્ષેત્રોમાં સંયુક્ત કાર્ય કરવાની ચર્ચા પણ થઈ છે. આ ટેક્નોલોજી ભવિષ્યમાં MSP પેટ્રોલિંગ અને દેખરેખને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે.
ભૂ-રાજકીય પરિણામો બદલાઈ શકે
ભારત MSPમાં જોડાય તો ભવિષ્યમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ભારતના મિત્ર દેશો માટે પણ MSPના દરવાજા ખૂલી શકે છે. આમ થવાથી દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની વધતી નૌકાદળ હાજરી સામે ભારત અને સાથી દેશોનું પલડું ભારે થઈ શકે એમ છે.