![]()
Vadodara : વડોદરા એરપોર્ટ ઉપર આજે સવારે યુકેના એક એન્જિનિયર પાસેથી કારતુસનું ખાલી ખોખું મળતા ભારે ઉત્તેજના વ્યાપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સાયમન જેફરી હેરીસ નામનો એન્જિનિયર ગઈ તા.નવમીએ વડોદરાના રણોલી વિસ્તારની એક ખાનગી કંપનીના કામ માટે આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો.
આજે સવારે જેફરી હેરીસ દિલ્હી કામ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન હરણી એરપોર્ટ ઉપર સ્કેનિંગમાં તેની હેન્ડબેગમાં શંકાસ્પદ ચીજ જણાઈ હતી. જેથી સિક્યુરિટી જવાનોએ ચેક કરતા કારતુસનું એક ખાલી ખોખું મળી આવ્યું હતું.
આ ખોખું તેની પાસે કેવી રીતે આવ્યું તે મુદ્દે પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ જેફરીએ હું કાંઈ જાણતો નથી તેઓ એક જ જવાબ આપ્યો હતો. જેથી હરણી પોલીસે તેને હાલ પૂરતો જવા દઈ તપાસ જારી રાખી છે.










