Road Accident in Gujarat: ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ થયેલા બે ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં કુલ 3 લોકોના કરુણ મોત થયા છે. આ ઘટનાઓથી રાજ્યભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કડી-થોળ રોડ પર ડમ્પરની અડફેટે બાળકનું મોત
પ્રથમ ઘટના મહેસાણાના કડી-થોળ રોડ પર બની હતી, જ્યાં એક ડમ્પરની અડફેટે 14 વર્ષીય બાળક નેતૃત્ય ઠાકોરનું મોત નીપજ્યું હતું. નેતૃત્ય થોળ તરફ પોતાના કાકાના ઘરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે કડીથી લ્હોર તરફ જઈ રહેલા એક ડમ્પરે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અરવલ્લીમાં કાર અકસ્માતમાં બે શિક્ષકોનું મોત
બીજી દુઃખદ ઘટના અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક રંગપુર ગામ પાસે સર્જાઇ હતી. અહીં બોલુન્દ્રા હાઈસ્કૂલ, રાયસિંગપુરના બે શિક્ષકો એક કારમાં જઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને શિક્ષકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના બે શિક્ષકોના આકસ્મિક અવસાનથી માત્ર શિક્ષણ જગત જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.