અમદાવાદ,શુક્રવાર
બ્રહ્યસમાજ માટે સામાજિક પ્રવૃતિ કરતા દુર્ગાધામ દ્વારા રાજકોટ બગોદરા હાઇવે પર શરૂ કરવામાં આવેલા ગોરાણી ફાર્મમાં ગુરૂવારે રાતના બગોદરા પોલીસે દરોડો પાડીને દારૂની પાર્ટી કરી રહેલા ૧૨ લોકોને ઝડપીને છ લક્ઝરી કાર સહિત ૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બાવળામાં રહેતા સ્થાનિક અગ્રણીની જન્મદિવસ હોવાથી પાર્ટી યોજી હતી.
બગોદરા-રાજકોટ હાઇવે પર આવેલા કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મમાં કેટલાંક લોકો દારૂની પાર્ટી કરી રહ્યાની બાતમી બગોદરા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી જોગારાણાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ફાર્મ હાઉસના કોન્ફરન્સ રૂમમાં દારૂની પાર્ટી કરી રહેલા ૧૨ શખ્સો મળી આવ્યા હતા. જેમાં બાવળા નગરપાલિકાના કોર્પોરેટરના પતિ મયુરધ્વજસિંહ ડાભીનો પણ સમાવેશ થતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે બાવળાના જવાહરનગરમાં રહેતા હર્ષદ ઠક્કરનો જન્મદિવસ હોવાથી તેણે દુર્ગાધામની સંચાલકોને કહીને કોન્ફરન્સ રૂમ પાર્ટી માટે લીધો હતો.
પોલીસે સ્થળ પરથી દારૂની ત્રણ બોટલો, છ લક્ઝરી કાર, ૧૬ મોબાઇલ ફોન સહિત કુલ ૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મ બ્રહ્યસમાજની પ્રવૃતિ માટે શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે આ સ્થળે દારૂની પાર્ટી થતા સંચાલકો પણ શંકાના ઘેરાવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ બાવળા અને બગોદરામાં રહેતા કેટલાંક સ્થાનિક અગ્રણી લોકો અગાઉ પણ ગોરાણી ફાર્મમાં ગેરકાયદે દારૂની પાર્ટી જેવી પ્રવૃતિ કરી ચુક્યા છે.
દુર્ગાધામની દારૂની પાર્ટીમાં કોણ-કોણ અગ્રણી ઝડપાયા?
૧. હરદીપસિંહ પઢેરિયા ઉમીયા પાર્ક સોસાયટી, બાવળા
૨. મયુરધ્વજસિંહ ડાભી સાર્થક સોસાયટી, બાવળા
૩. મહેન્દ્રસિંહ નકુમ સાઇનાથ સોસાયટી, બાવળા
૪. ગૌરવસિંહ પરમાર ભાયલા ગામ
૫. જયદીપસિંહ વાઘેલા કૈલાશ પાર્ક સોસાયટી, બાવળા
૬. રીકીન ઠક્કર નિલહર્ષ સોસાયટી, પાલડી
૭. કેશરીસિંહ પઢેરિયા કમલનયન સોસાયટી, બોપલ
૮. અશોક ઠક્કર જવાહરનગર સોસાયટી, બાવળા
૯. સંજયસિંહ પરમાર શિવાલય ટેનામેન્ટ, બોપલ
૧૦. રાજેન્દ્રસિંહ રાઠોડ રામજીમંદિર પાસે, બાવળા
૧૧.નવીન ઠક્કર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, બાવળા
૧૨. હર્ષદ ઠક્કર જવાહરનગર સોસાયટી, બાવળા