Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળમાં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક માસુમ બાળકીને એકાએક ગળે ટૂંપો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં માતમ છવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલમાં પડધરી નાકા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ સતારભાઈ માંડલીયાની 13 વર્ષ પુત્રી માહીનૂર યુનુસભાઈ માંડલીયા, કે જે ગઈકાલે ધ્રોળના ખાટકીવાસ વિસ્તારમાં પોતાના કુટુંબીભાઈ રફિકભાઈના ઘેર રમવા માટે ગઈ હતી, જ્યાં લોખંડની સાંકળમાંથી હિંડોળો કાઢી લીધો હતો, અને સાંકળ ભેગી કરી હતી, જેમાં દુપટ્ટો બાંધીને માહીનુર હિચકા ખાઈ રહી હતી, જે દરમિયાન એકાએક તેણીને ગળે ટૂંપો આવી ગયો હતો, અને શ્વાસ રૂંધાઇ જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
જે બનાવ અંગે મૃતક માહીનુરના પિતા યુનુસભાઇ માંડલિયાએ ધ્રોલ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.