Adalaj Case: ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે અડાલજ વિસ્તારમાં બનેલા ક્રૂર હત્યા કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. પોલીસે સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પર અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે કરી ધરપકડ
અડાલજ હત્યા કેસમાં આરોપીએ અત્યંત ક્રૂરતાથી હત્યા અંજામ આપી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પોલીસે તપાસ દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ તથા ગુપ્તચર માહિતીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો.
આ પણ વાંચોઃ અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: જામનગરમાં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમાર એક ખતરનાક અને સાયકો સ્વભાવનો ગુનેગાર છે. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે.
શું હતી ઘટના?
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે શનિવારે લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. અમદાવાદના રહેવાસી વૈભવનો મૃતદેહ રસ્તા પર પડ્યો હતો, તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા હતા. તેની સાથે રહેલી મોટેરા વિસ્તારની આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અને અનેક ઈજાઓ સાથે નજીકમાં મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેની ઈમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર કેનાલના પુલ પર થોડા અંતરે મળી આવી હતી.
આ પણ વાંચોઃ MSUની સાયન્સમાં પરીક્ષા, મહિલા અધ્યાપકે વિદ્યાર્થિનીના પેન્ટના ખિસ્સામાં ચેકિંગ માટે હાથ નાંખતા હોબાળો
ભૂતકાળમાં પણ બની ચૂકી છે લૂંટની ઘટનાઓ
સ્થાનિક રહેવાસીઓએજણાવ્યું હતું કે અંબાપુર કેનાલ રોડ પર ભૂતકાળમાં પણ હિંસક લૂંટની ઘટનાઓ બની છે. તેમણે સત્તાવાળાઓને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આ વિસ્તારમાં વધુ સારી લાઇટિંગ અને સર્વેલન્સ ઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે.