– ખેડા જિલ્લાની કચેરીઓ ધરાવતા રોડ પર સમસ્યા
– શહેરના યોગીનગરથી ડભાણ તરફના રસ્તા ઉપર અંધારામાં રખડતા ઢોર, ખાડાંથી અકસ્માતનો ભય
નડિયાદ : નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ રોડ ઉપર યોગીનગરથી ડભાણ તરફના રસ્તા પર ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. ત્યારે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા સ્થાનિક રહીશોમાંથી માંગણી ઉઠવા પામી છે.
નડિયાદ ડભાણ રોડ ઉપર જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન સહિત વિવિધ કચેરીઓ આવેલી છે. આ રોડ નેશનલ હાઈવેને જોડતો હોવાથી રાત દિવસ વાહનોની અવર- જવરથી ધમધમતો રહે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી યોગીનગરથી ડભાણ તરફ જતા દાંડી માર્ગ પર અંધારપટ જોવા મળી રહ્યો છે. રોડ ઉપર ભયજનક ખાડા તેમજ રખડતી ગાયોના કારણે વાહન ચાલકોના જીવનું જોખમ છે. ઉપરાંત અંધાર પટના કારણે રાત્રીના સમયે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. ડભાણ ગામ તેમજ યોગીનગરનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા સુવિધાઓમાં વધારો થશે તેવી લોકોમાં આશા હતી પરંતુ, નડિયાદ મહાનગરપાલિકા બન્યાને આઠ માસ જેટલો સમય થવા છતાં આ વિસ્તારના ગામોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સત્તાધીશો નિષ્ફળ પુરવાર થયા છે.