– યોગ્ય સુધારા કરવા ચૂટણી પંચને રજૂઆત
– જૂના વોર્ડ નં.- 4 થી 6 ના ગામતળના મત વિભાગોને અલગ વોર્ડમાં વિભાજિત કરતા અન્યાય થયાનો આરોપ
નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના સીમાંકનના જાહેરનામામાં ક્ષતિઓ હોવાના આક્ષેપો સાથે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરાઈ છે. હાલનું સીમાંકન ચૂંટણીના પરિણામો પર ગંભીર અસર કરી શકે છે અને મુક્ત- ન્યાયી ચૂંટણીની પ્રક્રિયાને અવરોધી શકે છે તેવું રજૂઆતમાં જણાવી મતદાર યાદી, વોર્ડ રચના, અનામત રોસ્ટર અને સીમાંકનમાં રહેલી ભૂલો સુધારવા વિનંતી કરાઈ છે.
નડિયાદ નગરપાલિકાના પૂર્વ અપક્ષ કાઉન્સિલરે આક્ષેપો સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સીમાંકન કરતી વખતે મહાનગરપાલિકાની ભૌગોલિક પરિસ્થિતિ, જેમ કે ગામતળ, રસ્તાની હદ, ફળિયા અને બ્લોક જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી નથી. તેના બદલે, જૂના વોર્ડના ટુકડા કરી એક જ ફળિયા કે બ્લોકને અલગ અલગ વોર્ડમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે. જૂના વોર્ડ નંબર ૪, ૫ અને ૬ ના ગામતળના મત વિભાગોને અલગ અલગ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યા છે. જે અન્યાયી છે. ઉપરાંત, ગાજીપુરવાડા, વોહરવાડ, પાંચહાટડી અને મલારપુરા જેવા લઘુમતી વિસ્તારોના ગામતળના ભાગના પણ ટુકડા કરી દેવાયા છે. પરિણામે લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ ન રહે તે રીતે અન્યાયી સીમાંકન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. વર્ષોથી જૂના વોર્ડ નંબર ૪, ૫ અને ૬ માં અનુસૂચિત જાતિની બેઠક જાણીબુઝીને રાખવામાં આવે છે, જેના કારણે સામાન્ય જાતિના પ્રતિનિધિઓને અન્યાય થાય છે. સામાન્ય રીતે રોસ્ટર પદ્ધતિ મુજબ દર વર્ષે અનામત બેઠકો અલગ અલગ વોર્ડમાં ફાળવવામાં આવે છે, પરંતુ આ નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. સીમાંકનમાં ૨૦૧૧ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવી છે, જે ગેરવ્યાજબી છે, કારણ કે ૨૦૨૫ સુધીમાં વસ્તીમાં ઘણો વધારો થયો છે. તેથી, ૨૦૨૫ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરવું ન્યાયી રહેશે તેવી માંગ કરવામાં આવી છે. સીમાંકન કરતા પહેલા રાજકીય સંગઠનો, પક્ષો કે જાહેર જનતાનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો નથી, જે માટે જાહેર નોટિસ કે નિમંત્રણ પ્રસિદ્ધ કરવાની જરૂર છે. આ તમામ મુદ્દાઓની તપાસ કરીને યોગ્ય અને ન્યાયી સીમાંકન કરવા માટે માંગણી કરવામાં આવી છે.
એસસી- એસટી, મહિલા અને પછાત વર્ગ અનામત અંગે ગૂંચવાડાભરી સ્થિતિ
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને ી વર્ગ માટે અનામત બેઠકોની ફાળવણીમાં ક્ષતિઓ છે. ૫૦થી વધુ સોસાયટી આવેલા જૂના વોર્ડ નંબર ૪, ૫ અને ૬માં લઘુમતી વસ્તી પણ છે, તેને સીમાંકનમાં એક જ વોર્ડમાં રાખવાને બદલે અલગ અલગ વોર્ડમાં વિભાજીત કરી દેવાતા લઘુમતી સમાજનું પ્રતિનિધિત્વ ન રહે તે રીતે સીમાંકન કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકાયો છે.