– અઢી વર્ષ પહેલા પાઈપ અને છરીના ઘા ઝીંકી દીધા હતા
– ઉમરાળા કોર્ટે એક વર્ષની સાદી અને 2 વર્ષની સખત કેદની સજા અલગ-અલગ ભોગવવા હુકમ કર્યો
વલ્લભીપુર : ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ત્રણેક વર્ષ પૂર્વે બનેલા મારામારીના બનાવમાં કોર્ટે શખ્સને ત્રણ વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
ઉમરાળાના રંઘોળા ગામે નાળા પાસે ગત તા.૨૨-૧૦-૨૦૨૨ના રોજ બપોરના સમયે હરેશભાઈ અરજણભાઈ ધોળકિયા નામના યુવાનને રંઘોળાગામે કુબેલિયા પરામાં રહેતો દેસુર રાઘવભાઈ મેર (ઉ.વ. હાલ ૪૮) અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરે લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી. જે બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ઉમરાળાના પ્રિન્સિપાલ જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વાય.કે. ખાંટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.એસ. મકવાણાની ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી દેસુર મેરને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ ૩૨૪ના ગુનામાં એક વર્ષ સાદી કેદની સજા, એક હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ આઈપીસી ૩૨૫ના ગુનામાં બે વર્ષ સખત કેદની સજા, પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.